માનસ દર્શન:આપણે સૌએ સહી રાવણની શોધ કરવી જોઈએ

મોરારિબાપુએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક વિદ્યાર્થિનીએ પૂછ્યું છે, ‘બાપુ, વિદ્યાર્થી હોવાને નાતે પહેલાં હું સરસ્વતી માતાને માનું છું. હવે રામ કે હનુમાનજીને ઈષ્ટ માનવા યોગ્ય ગણાશે?’ ‘બહેન, મારું તો એક જ માનવું છે કે તમારાં મન, રુચિ અને સ્વભાવને અનુકૂળ જ્યારે જ્યાં પણ ચિત્તવૃત્તિ જાય એને માનો. રામ સ્વયં સરસ્વતી છે, એવું ગોસ્વામીજીએ ‘ઉત્તરકાંડ’માં લખ્યું છે. એટલે છાત્રા હોવાને નાતે તમે સરસ્વતીને માનો છો અને પછી રામ તરફ જાઓ છો, તો એ ચિંતાની બાબત નથી અને હનુમાનજી પણ સરસ્વતી છે, ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ્.’ હનુમાનજી સ્વયં દુર્ગા છે. એક કથાપ્રસંગ કહું. લંકાના યુદ્ધના મેદાનમાં અહિરાવણ રામ-લક્ષ્મણનું અપહરણ કરીને પાતાળમાં ચાલ્યો ગયો. આપણે ત્યાં કેટલા રાવણ છે? અંગદ સંધિપ્રસ્તાવ લઈને જ્યારે રાવણના દરબારમાં જાય છે, ત્યારે અંગદ રાવણને એક સવાલ છેડે છે કે તું ક્યો રાવણ છે? એક રાવણ તો બલિને બાંધવા પાતાળમાં ગયો હતો એ છે; એક સહસ્રાર્જુનની ભુજા કાપવા ગયો હતો એ છે; એક મારા પિતાએ પકડીને પોતાની કાંખમાં દબાવી દીધો હતો એ રાવણ છે. તું ક્યો રાવણ છે? રાવણ એનો જવાબ તર્કથી આપે છે. હું રાવણને ત્રણ વિભાગમાં વહેંચું છું. એક રાવણ તો મહિરાવણ છે, જે ધરતી પર શ્રીલંકાનો માલિક છે. બધા ઉપર જેનો કબજો હતો એ મહિરાવણ. મહિ એટલે પૃથ્વી. બીજો અહિરાવણ. અહિ એટલે સર્પ. કહે છે કે સર્પનો લોક પાતાળ છે. સર્પ પાતાળમાં નિવાસ કરે છે, પરંતુ મારી અને તમારી શોધ હોવી જોઈએ સહી રાવણની. છોડો અહિરાવણ; છોડો મહિરાવણ. આપણે સૌએ સહી રાવણની શોધ કરવી જોઈએ. ક્યાંક આપણે તો એ નથી ને? સાંભળવું જરૂરી છે. તરત નિર્ણય ન લેવો કેમ કે વરસાદ થયો હોય તો કાદવ પણ થઈ શકે છે. આપણી બુદ્ધિ જ ભૂમિ છે અને આપણી બુદ્ધિમાં રજોગુણની ઘણીબધી માટી ભરેલી છે. આપણી રાજસી, તામસી, સાત્ત્વિક બુદ્ધિમાં આવાં સૂત્રો આવવાને કારણે કેટલીક વાર નિર્ણય કરવો મુશ્કેલ બની જાય છે; એટલે મૂંઝવણ થાય છે કે હું સરસ્વતીની ઉપાસના કરું, હનુમાનજીની કરું કે રામની કરું? તમે પ્રતીક્ષા કરો; તરત જ નિર્ણય ન કરો. તુલસીદાસજીએ ઘણું સાંભળ્યું, ગુરુએ એમને ઘણું સંભળાવ્યું. ધૈર્ય ન છોડે એ ગુરુ. આશ્રિત લાખ ન સમજે તોયે ગુરુ ક્યારેય ધૈર્ય ન છોડે. સદ્દગુરુ ગ્યાન બિરાગ જોગ કે. બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે. આપણે ભૂમિગત જીવ છીએ. ગુણનો અર્થ થાય છે રસ્સી અને રસ્સીનો એકમાત્ર સ્વભાવ અને એનું કાર્ય છે કોઈને બાંધવું. રજોગુણ પણ બાંધે છે, તમોગુણ બાંધે છે, સત્ત્વગુણ બાંધે છે. ‘રામચરિતમાનસ’માં લખ્યું છે, શ્રોતા અને વક્તા બંને જ્ઞાનના ભંડાર છે. શું ભેદ છે? શ્રોતા-વક્તા આત્મીય રૂપે એક થઈ જાય. થોડું પ્રામાણિક ડિસ્ટન્સ રહેવું જોઈએ, જેથી માણસ બીજા માણસને સારી રીતે જોઈ શકે; એટલું ડિસ્ટન્સ જરૂરી છે. એ ડિસ્ટન્સ ભાવની પૂર્ણતા કે ભાવના સંરક્ષણ માટે જરૂરી છે, ભેદ માટે નહીં. બશીર બદ્રસાહેબનો એક સુંદર શેર છે - અચ્છા તુમ્હારે શહર કા દસ્તુર હો ગયા, જિસકો ગલે લગા લિયા વો દૂર હો ગયા. આ સ્થૂળ રૂપમાં નિકટ-દૂરીનો પ્રશ્ન નથી. જે બહુ નિકટ આવી જાય છે, એ કદાચ સમજવામાં વિફળ થઈ જાય છે! તુલસીના ગુરુએ ધૈર્ય રાખીને કથા સંભળાવી. બુદ્ધિની નાદાનિયતને કારણે તુલસી સમજી ન શક્યા; ગંદું પાણી હતું, એટલે ગુરુ વરસ્યા ઘણું, પરંતુ પેય જલ પ્રાપ્ત ન થયું. એટલે પ્રતીક્ષા જરૂરી છે. પ્રતીક્ષા કરવાનો મતલબ કથા સાંભળ્યા પછી મનન કરવું, વિચારવું. શ્રવણ, મનન, ત્યાર બાદ નિદિધ્યાસન; એ ઉપનિષદીય ક્રમ છે. તો અહિરાવણ રામ-લક્ષ્મણને લંકાના મેદાનમાંથી પાતાળમાં લઈ ગયો. પાતાળમાં જઈને કોણ છોડાવે? હનુમાનજી પાતાળમાં જાય છે. ત્યાં ભગવાનને બંધનમાં નાખી દીધા! કહેવાયું કે યજ્ઞની પૂર્ણાહુતિમાં બલિ ચડાવી દેવામાં આવશે! જેમના નામથી જગત મુક્ત બને એ બંને બંદીવાન! હનુમાનજી આવ્યા. કહે છે કે દ્વાર પર એમને રોકવામાં આવ્યા; હનુમાનજીએ વાનરને જોયો. એમને થયું, મને રોકનારો આ વાનર કોણ છે? બોલ્યા, ‘તું કોણ છે?’ વાનર બોલ્યો, ‘હું હનુમાનનો પુત્ર છું.’ હનુમાન બોલ્યા, ‘સંભાળીને બોલ, હું બ્રહ્મચારી છું.’ પેલો બોલ્યો, ‘પરસેવાનાં ટીપાંથી મારી ઉત્પત્તિ થઈ હતી.’ કેવું બ્રહ્મચર્ય હશે કે જેમનો પરસેવો પણ પ્રજોત્પત્તિનું કારણ બની શકતું હતું! એ બ્રહ્મચર્યને લાખો દંડવત હો. વાનર કહે છે, ‘પિતાજી, દંડવત, પરંતુ ડ્યૂટી તો અહિરાવણની જ કરીશ; યુદ્ધ કરો.’ બાપ-દીકરાની લડાઈ થાય છે અને પછી હનુમાનજી એને બંધનમાં નાખીને અંદર જાય છે. એક માલિની દેવી માટે ફૂલની માળા લઈને જઈ રહી હતી. હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધરી માળાનું ફૂલ બની જાય છે! માલિનીને થોડો ભાર લાગ્યો, કેમ કે હનુમંતફૂલ હતું. અહિરાવણને આચાર્યએ કહ્યું કે ફૂલમાળા માતાજીને અર્પણ કરો. માળા માતાજીને પહેરાવવામાં આવી. અહિરાવણને ભાવાવેશમાં કંપન ચાલુ છે! માળા પહેરાવી તો થોડી મસ્તક પર ગઈ. એમાં હનુમાનજીવાળું ફૂલ બિલકુલ મધ્યમાં આવ્યું. હનુમાનજીએ ફૂલથી માતાને દબાવીને કોણ જાણે ક્યાં મોકલી દીધાં. પંચમુખી દુર્ગાનું રૂપ લઈને હનુમાનજી સ્વયં બેસી ગયા! આચાર્યોએ બંદીની અંતિમ ઈચ્છા પૂછવા કહ્યું. રામ-લક્ષ્મણને પૂછવામાં આવ્યું. રામજીએ કહ્યું, ‘અમારી કોઈ ઈચ્છા નથી.’ ‘તો કોઈને અંતિમ સમયે યાદ કરવા હોય તો કરી લો.’ રામજીએ લક્ષ્મણજીને પૂછ્યું, ‘કોને યાદ કરીએ?’ વિચાર્યું કે સંકટમાં હનુમાનજીએ આપણને મદદ કરી છે. એટલામાં રામજીએ હનુમાનજી સામે જોયું અને થયું કે દુર્ગાના રૂપમાં સાડી પહેરેલા આ હનુમાન જ છે! મારવાની તૈયારી થઈ તો હનુમાનજી ભુજા ઉઠાવી, બોલ્યા, ‘અહિરાવણ, મારા બાળક, મારી ગોદમાં આવ.’ આચાર્યોએ કહ્યું. મંત્રોએ કામ કર્યું, મૂર્તિ સજીવ થઈ ગઈ! તમે. મન રામમાં હોય તો રામ પણ દુર્ગા છે, હનુમાનમાં હોય તો હનુમાન પણ દુર્ગા છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...