તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણા સમાજમાં વિનોદવૃત્તિ જ દોહ્યલી છે. જોકે, આ વાત પર ઘણા લોકો સોશિયલ મીડિયામાં મારકાપ અને જોઈ લેવાની ધાક-ધમકીઓભરી ચર્ચાઓ છેડશે જ! જાહેરમાં રમૂજ સામાન્ય રીતે ખૂબ જ મોંઘી પડતી હોય છે. પોતાની વાહવાહી અને સાષ્ટાંગ દંડવત્ સિવાયનું બધુ જ અપમાન છે એવું દૃઢપણે આપણી વસ્તીનો વધુ ને વધુ મોટો ભાગ માનતો થયો છે. તેમની સંખ્યા અસંખ્ય થઈ રહી છે અને એટલે જ એકબીજાની ઉપર કે શક્તિશાળી અથવા લોકપ્રિય લોકોની રમૂજ કરવાને બદલે આપણે શક્તિહીન મનાતી ગૃહિણીઓ કે પત્નીઓ, સામાન્ય રીતે બુદ્ધિહીન મનાતા પ્રાણીઓ, વ્યક્તિઓ કે જ્ઞાતિમાં ઉતરતા મનાતા સમુદાયો પર આધારિત રમૂજ જ સહન કરી શકીએ છીએ. ટૂંકમાં જેમનાથી હુમલાનો ડર ન હોય તેના પરજ હસી શકીએ છીએ. અને આવું આપણે કદાચ અનેક પેઢીઓના ખરાબ અનુભવ પરથી શીખ્યા હશું. એટલે જ સ્વ. વિનોદ ભટ્ટ કે જ્યોતીન્દ્ર હ. દવે જેવા સક્ષમ હાસ્યલેખકોની ખોટ પુરાવી હવે લગભગ અશક્ય જ લાગે છે. કટાક્ષ તો જાણે અપમાન કરવા માટે જ સર્જાયો હોય ને પોતાની શક્તિ સામેનો લલકાર છે એવું જ મોટાભાગના માનભૂખ્યાં લોકોને લાગે છે. આ અંગે શક્તિનું પ્રદર્શન કરતા ભલભલા લોકો પોતાની જાતને રોકી શકતા નથી. આનું કારણ અન્યો પાસેથી હંમેશાં માનની અપેક્ષા હોય છે. માન અને જ્ઞાન ગમે તેટલું મળે તો પણ ઓછું જ લાગતું હોય છે! માન-આદરના આવા ‘સેન્સ ઓફ એનટાઇટલમેન્ટ’ એટલે કે હક અને અધિકારની ભાવનાનો જાહેરમાં ક્ષય કરતા સ્ટેન્ડ-અપ કોમેડીઅનોને આપણો બહોળો સમાજ પચાવી શકે તેવી અપેક્ષા પણ મુર્ખામી કહેવાય. અમુક લોકો જરૂર આ પ્રકારની હાસ્યવૃતિનો આનંદ લઇ શકે, પણ મોટા ભાગના લોકો માટે એ સ્વીકાર્ય નહીં જ બને. ઘણી વાર જાહેર સુરુચિનો ભંગ થતો હોય તેવી ગાળા-ગાળી પચાવવી અન્યોને અઘરી પડે. બધા જ લોકો ભાષાના પ્રયોગ અંગે સુરતીઓ જેવા સહનશીલ નથી હોતા! અને એટલા માટે જ અનેક સ્ટેન્ડ-અપ કોમેડીઅનો નિર્વિનોદ કાયદાકીય ગૂંચવાડામાં મુકાયા છે. જોકે, તેમના ઉપહાસનો ટાર્ગેટ એવા નેતાઓ કે ઉદ્યોગપતિઓ ખરેખર આ વિનોદવૃત્તિથી દુ:ખી થયા છે કે નહીં તે તો કદાચ કોઈને ખબર નથી, પરંતુ નેતાઓ, પ્રધાનો કે અધિકારીઓ અને હવે તો ઉદ્યોગપતિઓ પણ દુઃખી થઇ શકે છે તેવા ડર માત્રથી ‘ચાય કરતા કીટલી ગરમ’ ન્યાયે તેમને બે દંડા વધારે મરાઇ રહ્યા છે તેવું લાગે છે. પોતાને મજાક પસંદ નથી તેવું ચૂંટણીપંચે નેતાઓ પાસે ઢંઢેરામાંજ જાહેર કરાવી દેવું જોઈએ! જ્ઞાતિપ્રધાન સમાજની ‘હાયરાર્કી’ મુજબની અપેક્ષાવૃતિ આપણી અંદર વણાઈ ચુકી છે. પદાનુસાર માનની અપેક્ષા બધે જ અપેક્ષિત છે. લોકો જ્યારે બીજાઓ પાસેથી અમુક પ્રકારના વાણી-વર્તનની અપેક્ષા રાખે અને પરિપૂર્ણ ન થાય ત્યારે દુઃખી થાય, પરંતુ જ્યારે અપેક્ષા માંગણીમાં પરિવર્તિત થાય ત્યારે ઘર્ષણ થવાનું જ. ‘રિસ્પેક્ટ ઇસ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ’. સ્વાભાવિક રીતે ધાર્યા મુજબનો આદર પ્રાપ્ત ના થાય ત્યારે લોકો પોતાની પાસે પ્રાપ્ય તમામ શક્તિનો ઉપયોગ કરી છેવટે ડરાવી-ધમકાવી જબરદસ્તી આદર માંગે. ભારતમાં લોકશાહી છે અને દરેક લોકો બંધારણની આંખે ખરા અર્થમા સમાન જ છે, તે વાત પણ સામંતશાહી ગુણધર્મના લોકો સુધી નથી પહોંચી. જ્યારે આપણું વર્તન સામા માણસને આદરલાયક ન લાગે અને આપણને આપણી અપેક્ષા મુજબનો આદર ન મળે ત્યારે આપણે સામા માણસની જ ભૂલ જોઈએ છીએ અને આપણી જાત તો આદર યોગ્ય છે જ એવું દૃઢપણે માનીને અન્યોને પાઠ પઢાવવા લાગીએ છીએ. અને ત્યારબાદ આપણું ઘવાયેલ ઈગોને સંતોષવા આપણે બળપ્રયોગથી યેનકેન પ્રકારેણ માન મેળવી લઈએ છીએ. એટલે જ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન એવા વિન્સ્ટન ચર્ચિલ અને તેમના પ્રખર વિરોધી એવા મહાન નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો જેવી રમૂજવૃત્તિની વાયકાઓ આપણે ત્યાં જોવા નહીં મળે. જેમ કે, શોએ પોતાના એક નવા નાટકના પ્રથમ પ્રયોગની બે ટિકિટો ચર્ચિલને મોકલી. ‘આમાંની એક ટિકિટ આપના માટે છે અને બીજી આપના મિત્ર માટે - જો આપને અગર કોઈ મિત્ર બચ્યો હોય તો!’ વાયકા મુજબ પટ દઈને ચર્ચિલે બંને ટિકિટો પાછી મોકલી, પરંતુ તેવા જ કટાક્ષ સાથે. ‘માફ કરજો હું આ નાટકના પ્રથમ પ્રયોગમાં તો હાજર નહીં રહી શકુ, પરંતુ દ્વિતીય પ્રયોગમાં જરૂર આવીશ - જો બીજા પ્રયોગ જેટલું ઓડિઅન્સ મળશે તો!’ જોકે, ત્યારબાદ શોના કોઈ નાટક પર કે તેમના પર કોઈ પગલાં લેવાયા હોવાનું તો ક્યાંય જાણવા મળ્યું નથી. આપણે જિંદગીને, લાગણીઓને થોડી સહજતાથી લેતા શીખવું જોઈએ અને આપણી જાતને, માન્યતાને અને વિચારોને, અહમ્્ને, આપણી સત્તા અને આપણી શક્તિઓને બહુ ગંભીરતાથી ન લેતાં ક્યારેક-ક્યારેક આપણી જાત અને નબળાઈઓ પર પણ હસી લેવું જોઈએ. તો કદાચ બી.પી. અને હાર્ટની અનેક સમસ્યાઓ પણ નહીં રહે. dewmediaschool@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.