ખેડૂત-કેન્દ્રીય મંત્રી આમને સામને:​​​​​​​ખેડૂતે કહ્યુ, ‘બધા નેતાઓ ચોવીસ કલાક લાઈટવાળા છો, તમને શી ખબર કેટલી તકલીફ પડે છે’, કેન્દ્રીય મંત્રી બોલ્યા - અમે ખેડૂતોનો પ્રશ્ન હલ કરીશું

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતે એવા શબ્દો કહ્યા કે સ્ટેજ પર મહાનુભાવોમાં હસી આવી ગઈ. - Divya Bhaskar
ખેડૂતે એવા શબ્દો કહ્યા કે સ્ટેજ પર મહાનુભાવોમાં હસી આવી ગઈ.
  • સરસ્વતીના મોટા નાયતા ગામે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં ભાષણ દરમિયાન ખેડૂત વિફર્યા

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં શુક્રવારે વિજયાદશમીના તહેવાર પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહારો કરતાં ચૂંટણીનો રાગ આલાપ્યો હતો. એના બીજા દિવસે શનિવારે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ચૂંટણીની ચોપાટ ગોઠવાઇ હતી. જેમાં મંત્રીના સંબોધન પછી એક ખેડૂતે ઊભા થઇને વીજળી સહિતના પ્રશ્ન અંગે ખેડૂતોને કેટલી તકલીફ પડે છે તેનો સવાલ ઉઠાવતા સ્થાનિક કાર્યકરો તેને બેસાડવા કામે લાગ્યા હતા.

જોકે મંત્રીએ આ પછી 24 કલાક વીજળીની વાત કરી ખેતીવાડીમાં દિવસે આપવાની યોજનાની વાત દોહરાવી હતી અને કહ્યું કે જે આપ્યું છે તે અમે આપ્યું છે આવીશું પણ અમે અને આપીશું પણ અમે. શનિવારે સરસ્વતીના મોટા નાયતા ગામે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ પ્રદેશ મંત્રી કે.સી.પટેલ, દશરથજી ઠાકોર સહિત ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ દેવુસિંહ ચૌહાણ લોકો સુધી સરકારની યોજનાઓની વિસ્તૃત જાણકારી પહોંચે તે માટે પ્રધાનમંત્રી યોજના, કિસાન સન્માન યોજના, સબસીડી, જેવી અનેક યોજનાનો લાભ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ખેડૂતોને મળી રહ્યો છે તેવું સંબોધનમાં જણાવી રહ્યા હતા. આ પછી સભામાં બેઠેલ ખેડૂત પ્રેમાજી હાલાજી ઠાકોરે જાહેર સભામાં ઊભા થઈને જણાવ્યું હતું કે ખેડૂતોની તકલીફ તમને ક્યાંથી ખબર હોય, તમે બધા નેતાઓ છાંયડે સુઈ રહો છો. તમારે 24 કલાક વાળી લાઈટ છે ,ખેડૂતોને 3-4 વાર લાઈટ કપાય છે અને પુરતી બોર પર લાઈટ મળતી નથી જેવી ખેડૂતોની વેદના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સામે રજૂ કરી હતી.

વોટ લેવા ચેટલા બધા ચડીને બેઠા છો. :ખેડૂત
ખેડૂત પ્રેમાજી ઠાકોરે જણાવ્યું કે ખેડૂતને કેટલી તકલીફ છે તમે બધા છાયે સુઈ જાવ. વોટ લેવાના છે એટલે ચેટલા બધા ચડીને બેઠા છો તેમ કહેતા નેતાઓ પણ હસી ઉઠયા હતા. ત્યારે કે.સી પટેલે વચ્ચે દરમિયાનગીરી કરી પ્રશ્ન હોય તો કહેવા સૂચન કર્યું હતું.

તમારી તકલીફની ચિંતા અમે કરી લેશું:મંત્રી
ખેડૂતને જવાબ આપતાં મંત્રી દેવું સિંહે જણાવ્યું કે જમાનો આવ્યો છે કે જનપ્રતિનિધિને પણ તેમનો હિસાબ આપવો પડે, દેશમાં 24 કલાક વીજળી આપે છે મોદી સાહેબનું ગુજરાત. તમારી તકલીફની નોંધ લીધી છે, બધા જ ફિડરોમાં દિવસે વીજળી આપવાનું આયોજન થઈ રહ્યું છે છતાં જે કઈ બ્રેકડાઉન થતું હશે એની ચિંતા અમે કરી લેશું. બાદમાં ભાજપના કે.સી. પટેલ સહિતે ખેડૂતને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...