સાંતલપુર તાલુકાના નલીયા ગામે વોટરશેડ યોજના હેઠળ મંજૂર થયેલ નવીન આડબંધ દર્શાવેલી જગ્યાની બદલે અલગ જગ્યાએ બનેલા જૂના પાળા ઉપર નવી માટી નાખીને ગેરરીતિ આચરી હોવાની ગામના નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાતાં ચકચાર મચી હતી.
નલીયા ગામે વોટરશેડ (જળસ્ત્રાવ) યોજના અંતર્ગત ગામની ખારિયામાં આડબંધ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ જેસીબી મશીન દ્વારા બાજુમાં ખોદીને જૂના પાળા ઉપર નવી માટી નાંખી હતી.જ્યારે અનુ સૂચિત જનજાતિની સ્મશાન ભૂમિની જગ્યામાં વોટર શેડ કમિટી દ્વારા કરેલ કામગીરીને લઇને ગામમાં અનુ સૂચિત જનજાતિના લોકોમાં નારાજગી જોવા મળી હતી. આડબંધના નામે સ્મશાન ભૂમિમાં નાંખેલ માટીથી સ્મશાન ભૂમિ બે ભાગમાં વહેંચાઈ જવા પામી હોવાનું અરજદાર દ્વારા જણાવાયું છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે જગ્યા ઉપર આડબંધ બનાવવાનો હતો તેની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા જુના આડબંધ ઉપર માટી નાખીને ગેરરીતિઓ આચરી હોવાની લેખિત રજૂઆત ભીલ સંજયભાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરી હતી. સરકાર દ્વારા વરસાદી પાણીને વહી જતું અટકાવવાના હેતુથી વોટરશેડ યોજના હેઠળ નવીન આડબંધ બનાવવા લાખ્ખો રૂપિયાના ખર્ચે કરાય છે પરંતુ જવાબદારો દ્વારા જૂના પાળા ઉપર નવી માટી ચડાવીને બીલો બનાવી દેતાં ખરા અર્થમાં આવી યોજનાઓનો હેતુબર આવતો નથી. આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.