વઢીયારી પ્રજા ખાવા અને ખવડાવવાની શોખીન છે. શિયાળામાં લીલા ચણાની દાળ અને બાજરાના રોટલા વઢીયારી સંસ્કૃતિની ઓળખ બની ગયા છે. શિયાળાની શરૂઆત થતાં જ વઢીયાર પંથકમાં ઠેર ઠેર લીલા ચણાની વઢીયારી દાળ અને બાજરાના રોટલાના પ્રોગ્રામો થતા જોવા મળી રહ્યા છે. વઢીયાર પંથકની આ લીલા ચણાની દાળ અને બાજરાના રોટલા ગુજરાત ભરમાં ચર્ચાસ્પદ બન્યા છે .
શિયાળાની શરૂઆત થાય અને કડકડતી ઠંડી પડે એટલે વઢીયારના લોકોને લીલા ચણાની દાળ યાદ આવી જાય પંથકમાં ખેતરે ખેતરે ખેડૂતો લીલા ચણાની દાળના પ્રોગ્રામોની શરૂઆત કરે અને ક્યાંક નાના આયોજન તો ક્યાંક બહારથી મહેમાનોને બોલાવી ચણાની દાળ ખવડાવે. શિયાળાની કડકડતી ઠંડીમાં દાળ ખાતા ખાતા પરસેવો છૂટી જાય એવી તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વઢીયારી દાળના રાજકારણીઓથી માંડી આઇપીએસ અધિકારીઓ સુધી ચાહક છે.
સિટીમાં રહેતા લોકો પણ વઢીયારી દાળની રેસિપી જાણી દાળ બનાવી પ્રોગ્રામોનું આયોજન કરે છે. વઢીયાર પંથકમાં મેમણાના ભીખુભા પરમાર, ઉપલીયા સરાના ભીખાભાઈ પ્રજાપતિ, ગાજદીન પુરાના પોપટજી ઠાકોર, સમશેરપુરાના શિક્ષક ભરતભાઈ પ્રજાપતિ વગેરેના હાથની બનાવેલી દાળ વખણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.