તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના પોકાર:સમીના સીંગોતરીયામાં પીવાના પાણી માટે વલખાં

સમી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામથી એક કિલોમીટર દૂર કૂવાનું પાણી ભરવા મહિલાઓ મજબૂર

સમી તાલુકાના સીંગોતરીયા ગામે પાણી માટે ગ્રામજનોને રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામથી એક કિ.મી જેટલું દૂર કૂવામાંથી પાણી ઉપાડી લાવી મહિલાઓ પરિવારના લોકોની તરસ છીપાવી રહી છે. સમી તાલુકાના સીંગોતરીયા ગામે સમી પાણી પુરવઠા દ્વારા પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં આવે છે. આ પાઇપલાઇનનું પાણી ગામના એક ખુલ્લા કૂવામાં ભરવામાં આવે છે અને તેમાંથી ગામ લોકો પાણી ભરી જાય છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળની વિકટ સ્થિતિમાં વારંવાર હાથ ધોવા જરૂરી હોય છે ત્યારે પીવા માટેના પાણીના પણ ફાંફા પડે છે તો હાથ ધોવા અને સ્નાન કરવા પાણી ક્યાંથી લાવવું. ગામમાં દર આંતરા દિવસે પાણી આવે છે અને જેવું પાણી આવે લોકો પાણી માટે પડાપડી કરે છે. ગામથી એક કિલોમીટર દૂર એક જ કૂવામાંથી સમગ્ર ગામ પાણી ભરતુ હોવાથી કોરોના સંક્રમણ પણ થઈ શકે છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ ગામમાં પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સીંગોતરીયા ગામમાં આંતરા દિવસે પાણી મળતાં ઉનાળાના દિવસોમાં લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. પિવાના પાણીની સમસ્યા સાથે પશુઓનો નિભાવ પણ મુશ્કેલ બન્યો છે. પાણીની અછત વચ્ચે ગામની મહિલાઓ ગરમીમાં પણ એક કિલોમીટર દુર જઈ માથે પાણીનાં બેડાં ઉપાડવા માટે મજબુર જણાઈ રહી છે.

છેલ્લા બે વર્ષથી આ સ્થિતિ છે : સરપંચ
આ અંગે સરપંચ ભાથીજી ઠાકોર સાથે વાત કરતાં જૂની પાઇપલાઇનમાં આખા ગામમાં પાણી પહોંચતું ન હતું જેથી છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે. હાલ ગામમાં પાઇપ લાઇન નાખી દીધી છે અને બે દિવસમાં કનેકશન જોડી ઘેર ઘેર પાણી પહોંચાડવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ

અન્ય સમાચારો પણ છે...