સમીથી શંખેશ્વર સુધીના રોડનું રીસરફેસિંગનું કામ સરકાર દ્વારા મંજૂર કર્યું છે છેલ્લા 6 મહિનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી ધીમી ગતિએ થતાં મુસાફરો અકળાયા છે અને રસ્તા ઉપર પડેલા ખાડાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સમી-શંખેશ્વર રોડની કામગીરી છેલ્લા છએક માસથી ચાલી રહી હોવા છતાં હજી સુધી અડધું કામ પણ પૂર્ણ થયું નથી. છેલ્લા સાતેક દિવસથી રોડ ઉપર રોલર મશીન સહિતની મશીનરી રોડ ઉપર ઊભી રાખી છે પરંતુ કામ ચાલુ નથી છેલ્લા 7 દિવસથી રોડનું કામ ચાલુ હોવાના દેખાવ થઈ રહ્યા છે.
પરંતુ વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. આગેવાન ભરતભાઈએ જણાવ્યું કે સમી-શંખેશ્વરને જોડતો આ રસ્તો મહત્વનો છે. અમદાવાદ, વિરમગામ, માંડલ સહિત રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાત સાથે જોડતો મહત્વનો રસ્તો છે. રસ્તા પર અસંખ્ય ખાડાઓથી અકસ્માતોની ઘટના વધી છે. રોડની કામગીરી ધીમી ગતિએ ચાલતાં આજુબાજુના ગામડાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ અગાઉ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું નથી.કોન્ટ્રાક્ટરના માથે કોઈ મોટા માથાનો હાથ હોવાની લોકમુકે ચર્ચા જોવા મળી રહી છે.
નવા રોડમાં 7 કિ.મી.માં 40 જેટલા થીગડાં
સમી-શંખેશ્વર રોડ ઉપર શંખેશ્વરથી જેસડા સુધી અંદાજે 7 કી.મી. જેટલો રોડ બન્યો છે. આ રોડને બન્યાને હજી માંડ ત્રણેક માસ થયા છે અને રોડ ઉપર 40 જેટલા નાના મોટા ખાડા પડી જતા થીગડાં મારી અને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યો છે. રોડની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.