સમસ્યા:સમી તાલુકાની 25 ગ્રા.પંચાયતમાં કાયમી તલાટી ન હોવાથી વિકાસ કામો અટવાયા

સમી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 59 ગામો વચ્ચે માત્ર 20 તલાટી ફરજ બજાવી રહ્યા છે

સમી તાલુકાના 59 ગામો વચ્ચે માત્ર 20 તલાટી ફરજ બજાવી રહ્યા છે. જેથી ગામડાના વિકાસના કામો તથા અરજદારોના સરકારી કામો અટવાયેલા જોવા મળે છે. સમી તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો તાલુકો છે સમી તાલુકામાં કુલ 59 ગામડાં આવેલા છે તેમાંય રણ કાંઠે વસેલા મોટાભાગના ગામડાઓ વિકાસ ઝંખી રહ્યા છે સમી તાલુકામાં તલાટીઓની ભારે અછત છે 4-5 ગ્રામ પંચાયત વચ્ચે એક તલાટી હોવાને કારણે તલાટીઓ ઉપર કામનું ભારણ રહે છે. ગામમાં સ્વચ્છતા, રોડ રસ્તા, ગટર, સરકારી કાર્યક્રમો, અરજદારના કામો, જેવા અનેક કામો તલાટીઓને માથે હોય છે.

આવી સ્થિતિમાં કામો સમયસર થઈ શકતા નથી. સમી તાલુકાના ભદ્રાડા, સિગોતરિયા, રૂપનગર, વાવલ, સોનાર, રવદ, તારોરા, ઝીલવાણા, કઠીવાડા, મોટા જોરાવરપુરા, શેરપુરા, સજુપુરા, નાયકા, સમશેરપુરા, કાઠી, પાલીપુર, વરાણા વગેરે ગામો કાયમી તલાટી વિહોણા ગામો છે.વળી 20 તલાટીઓ 59 ગામના તલાટી તરીકેના ચાર્જ ઉપરાંત તાલુકાના 25 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે પણ ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં સમી તાલુકામાં તાત્કાલિક ધોરણે તલાટીઓની ઘટ પૂરી કરવા માંગ ઉઠવા પામી છે.

આ અંગે સમી તાલુકા પંચાયત અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે વારંવાર રજૂઆતો છતાં સમી તાલુકામાં તલાટીઓની ઘટ પૂર્ણ થતી નથી. તલાટીઓની અછતને કારણે વિકાસના કામો અટવાયેલા છે. તલાટીઓ ઉપર માનસિક પ્રેશર હોવાને કારણે અરજદારોના કામો પણ સમયસર થઈ શકતા નથી.જેથી સરકાર દ્વારા તાલુકાની વસ્તીના ધોરણે તલાટીઓની નવી જગ્યા ભરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...