પાક ગયો પાણીમાં:વઢિયાર પંથકમાં ખેડૂતો છેલ્લા 3 વર્ષથી ચોમાસુ સિઝનમાં સફળ ખેતી કરી શક્યા નથી

સમી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમી અને શંખેશ્વર તાલુકામાં ખેડૂતોના ખેતરોમાં હજીપણ વરસાદી પાણી ભરાઇ ગયેલ છે. - Divya Bhaskar
સમી અને શંખેશ્વર તાલુકામાં ખેડૂતોના ખેતરોમાં હજીપણ વરસાદી પાણી ભરાઇ ગયેલ છે.
  • ચાલુ વર્ષે પણ સમી અને શંખેશ્વર તાલુકામાં ખેતરોમાં વરસાદી પાણી ઓસર્યા નથી

વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે ચોમાસુ સિઝનની ખેતી સફળ રીતે કરી શક્યા નથી ત્યારે ચાલુ સીઝનમાં પણ ભાદરવામાં પડેલા વરસાદે ખેડૂતોનો ઉભો મોલ નિષ્ફળ બનાવ્યો છે. વઢિયાર પંથકના સમી,હારિજ, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરના ગામડાઓમાં ખેડૂતો મોટેભાગે ચોમાસુ સિઝન ઉપર નિર્ભર હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત વરસાદને કારણે ખેડૂતોના ઊભા મોલ નિષ્ફળ નીવડ્યા છે. આ વર્ષે પણ સમી અને શંખેશ્વર તાલુકામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ છે. જેથી ખેતરમાં ઉભેલા કપાસ, દિવેલા, મગ, અડદ, ગવાર, સહિતના મોલ નિષ્ફળ જવાની સ્થિતિમાં છે

જમીન કઠણ હોઈ પાણીનું શોષણ જલદી થયું નથી
માંડવીના ખેડૂત જલાભાઈ ડોડીયા જણાવ્યું કે સમી તાલુકાના ગામડાઓમાં જમીન કાડેતર અને પાણી સંગ્રહ કરવાની શક્તિ વધારે ધરાવે છે. જેથી પાણી નીચે જમીનમાં જલદી શોષણ ન થતાં પરિણામે લાંબા સમય સુધી પાણી ખેતરમાં ભરાઈ રહેતાં પાણીનો નિકાલ ન થતાં પાક નિષ્ફળ નીવડે છે.જેથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાક નિષ્ફળ સહાય ચૂકવવા માંગ
ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાક નિષ્ફળ સહાય આપવી જોઈએ. બે દિવસ અગાઉ શંખેશ્વર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને પાક નિષ્ફળ સહાય આપવા માટે સરકારને લેખિત રજૂઆત કરી છે.

આ ગામમાં ખેડૂતોને નુકસાન
તારાનગર ગામના રબારી માધાભાઈ જણાવ્યું કે સમી તાલુકાના સમશેરપુરા, સોનાર, રાફુ, નાયકા ,દુદખા, અનવરપુરા, શંખેશ્વર તાલુકાના મોટીચંદુર, મેમણા, ટુવડ, મનવરપુરા, શંખેશ્વર ,રણોદ, કુવારદ, લોલાડા, સીપર,કુંવર, તારાનગર ,સુબાપુરા,જેસડા મુજપુર ,લોટેશ્વર, ધનોરા ઓરુમાણા,વગેરે ગામોમાં ભાદરવા મહિનામાં પડેલા વરસાદને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ નીવડ્યો છે તો કેટલાક પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે.

મોટી ચંદુરમાં 80 ખેડૂતોએ જાતે જ ખેતરમાં ઉભેલા મોલને ઉખેડી નાંખ્યો
​​​​​​​મોટીચંદુર ગામના જગદીશભાઈ જણાવ્યું છે કે ખેતરોમાં પાણી ભરાઇ રહેતાં ગામના 80 જેટલા ખેડૂતોએ ખેતરમાં ઉભા કપાસના છોડ ઉખાડી નાખ્યા છે. ગત વર્ષે પણ આવી સ્થિતિ નિર્માણ પામતા પાક નિષ્ફળ નીવડ્યો હતો.હવે રવી સીઝનમાં યોગ્ય વાતાવરણ રહે તો ચણા અથવા જીરાની ખેતી થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...