રાધનપુરમાં મઘાપુરા રોડ ઉપર આવેલી ક્રિષ્ના હેરિટેજ અને ક્રિષ્ના બંગ્લોઝ સરદારપુરા ગ્રામ પંચાયત હેઠળ આવે છે,જ્યાં પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાથી મહિલાઓએ રજૂઆત માટે તાલુકા પંચાયત જવા તૈયારી કરતાં તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન ઠાકોર અને તેમના પતિ દિનેશજી ઠાકોર સામેથી દોડી ગયા હતા અને રહીશોની સમસ્યા સાંભળીને ગુરુવારથી જ પાણીની પાઇપલાઇન નાંખવાની ખાત્રી આપી હતી.
રાધનપુર શહેરમાં આવેલી પણ સરદારપુરા ગ્રામ પંચાયતમાં ગણાતી ક્રિષ્ના હેરિટેજ અને ક્રિષ્ના બંગ્લોઝમાં પીવાનું પાણી પહોંચાડવા માટે ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન નાંખવામાં આવી છે,પરંતુ વચ્ચેથી કનેક્શનો લેવાઈ જવાથી પાણી પૂરું પહોંચતું ન હોઈ બે મહિનાથી હાલાકી પડી રહી હતી.બુધવારે આ સોસાયટીની મહિલાઓએ મળીને તાલુકા પંચાયતમાં જઈને રજુઆત કરવાનું નક્કી કર્યું હતું,પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ દિનેશજી ઠાકોર સરદારપુરા ગામના સરપંચ બાબુભાઇ મકવાણાને લઈને બંને સોસાયટીઓની મુલાકાતે જઈને તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે વાત કરી ગુરુવારથી જ નવીન પાઇપલાઇન નાંખવાની સૂચના આપી હતી. રહીશ મહિલા હેતલબેનના જણાવ્યા મુજબ બેથી ત્રણ મહિનાથી પાણીની સમસ્યા હતી,જે બે-ત્રણ દિવસમાં જ હલ થઇ જશે એવી અમને ખાત્રી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.