રાધનપુરમાં માર્કેટયાર્ડની બે દુકાનોમાંથી એરંડાની બે-બે મળીને ચાર બોરીની ચોરી થતાં વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે વેપારીઓ અને માર્કેટયાર્ડના ચોકિયાતે ભેગા મળીને ઇકો ગાડીમાં એક બોરી ચોરીને લઇ જઇ રહેલા મજૂરને પકડીને પોલીસને સોંપ્યો હતો.
માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા જગમાલભાઈ અરજણભાઈ રબારીએ પેઢીની ભોજનાલય સામેની દીવાલ પાસે શુક્રવારે સાંજે એરંડાની 270 બોરીઓ રાખી હતી. રવિવારે બપોરે 12 વાગે ગણતા તેમાં બે બોરી ઓછી હતી.બાજુમાં આવેલી શીતલ ટ્રેડર્સના જગમાલભાઈ ગોવાભાઈ ચૌધરીને પૂછતાં એમની દુકાનની પાછળ પડેલી એરંડાની 45 બોરીમાંથી બે બોરી ઓછી હોવાનું જણાવ્યું હતું.
બંનેની ચાર બોરીમાં 296 કિલો એરંડા જેની કિંમત ₹k20720 દર્શાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.જો કે રવિવારે બપોર બાદ એક ઈસમ ઇકો ગાડીમાં એરંડાની બોરી લઈને જતો હોવાથી વેપારીઓ અને માર્કેટયાર્ડના ચોકિયાતે ઝડપીને પૂછતાં તેનું નામ સંજય લાલાભાઇ ઠાકોર રે.પ્રેમનગર તાં. રાધનપુર હોવાનું જણાવ્યું હતું.
માર્કેટયાર્ડના ચેરમેન ડૉ.કનુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ માર્કેટયાર્ડમાં ત્રણ દિવસમાં ત્રણથી ચાર બોરીની ચોરી થઇ હતી.ઇકો ગાડીમાં બોરી ચોરી કરીને જઇ રહેલા સંજય લાલાભાઇ ઠાકોરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો,તેણે ચાર બોરીની ચોરી પણ કબુલી છે. સંજય ઠાકોર મજુર યુનિયનના પ્રમુખ લાલાભાઇ નેમાભાઈ ઠાકોરનો પુત્ર હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.