વિકાસકામો અટક્યા:રાધનપુર નગરપાલિકાની કારોબારી બેઠકમાં રૂ.2.24 કરોડનું ટેન્ડર રદ

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના વિસ્તારોના સીસી રોડ, ગટરો સહિતના વિકાસકામો અટક્યા

રાધનપુર શહેરમાં વિધાનસભાની ચૂંટણી બાદ વિકાસકામો થવાની લોકો રાહ જોઈને બેઠાં હતાં, ત્યારે પાલિકાની કારોબારી બેઠકમાં રૂ.2.24 કરોડના કામોનું ટેન્ડર રદ કરવામાં આવતા શહેરના નાગરિકોને હવે બે મહિના બાદ પણ આ કામો જોવા મળે છે કે નહીં એ જોવાનું રહ્યું. ટેન્ડર રદ કરવા પાછળ કોનું ભેજું કામ કરી ગયું એ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

પાલિકાની કારોબારી બેઠક ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા, કારોબારી ચેરમેન હરદાસભાઇ આહીર, એહમદભાઈ ઘાંચી, ગણેશભાઈ ઠાકોર, મીનાબેન મકવાણા, કલીબેન ઠાકોર સહીતની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં શહેરના મોટાભાગના વિસ્તારોના સીસી રોડ, ગટરો તેમજ અન્ય કામો માટે અગાઉ ખોલવામાં આવેલું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

આ ટેન્ડર 2.24 કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિકાસકામોનું હતું. જે 6.39 ટકા નીચા ભાવનું હોવા છતાંય રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારોબારી કમિટીની બેઠકના તમામ સદસ્યો દ્વારા ટેન્ડર રદ કરવા માટે રજુઆત કરી હતી. એકમાત્ર એહમદભાઈ ઘાંચીએ જ ટેન્ડર રદ ના કરીને શહેરના નાગરિકો માટે વિકાસકામો ઝડપથી કરવા જણાવ્યું હતું. પરંતુ ચાર વિરુદ્ધ એકથી આ ટેન્ડર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

પાલિકાની ચૂંટણી બાદ જ કામો થવાની શક્યતા
પાલિકાની કારોબારી બેઠકમાં રૂ.2.24 કરોડના વિકાસ કામોનું ટેન્ડર રદ કરવામાં આવતા હવે આ ટેન્ડર ફરીથી બહાર પાડ્યા બાદ જ કામો હાથ ધરી શકાય તેમ છે, જેમાં બેથી અઢી મહિના નીકળી જશે અને ત્યાં સુધીમાં પાલિકાની ચૂંટણી પણ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...