રાધનપુર ખાતે ક્રિષ્ના હેરિટેજમાં રહેતાં અને વારાહીમાં જનરલ સ્ટોર્સની દુકાન ધરાવતા વેપારી તેમજ સોસાયટીના અન્ય એક મકાનમાં મંગળવારે રાત્રે તસ્કરોએ તાળાં તોડી બંને મકાનોમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1,21,500ની માલમત્તા ચોરી ગયાની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વારાહીમાં જનરલ સ્ટોર ચલાવતા હાર્દિકકુમાર પોપટલાલ ઠક્કર છેલ્લા 14 મહિનાથી ક્રિષ્ના હેરિટેજમાં પરાગભાઇ ચૌધરીના મકાનમાં પરિવાર સાથે ભાડેથી રહે છે. સોમવારે રાત્રે સાડા અગિયાર વાગે હાર્દિકભાઈ, તેમના પત્ની પીંકલબેન, બે દીકરીઓ અગાસીમાં સુઈ ગયા હતાં. સવારે વહેલા વારાહી ધંધાર્થે જવાનું હોવાથી હાર્દિકભાઈ છ વાગે ઉઠીને નીચે આવીને જોતાં તિજોરીના દરવાજા ખુલ્લા હતાં અને સામાન વેરણછેરણ પડ્યો હતો.
ચોરી થયાનું લાગતા તેમના પત્નીને નીચે બોલાવીને તપાસ કરતાં તસ્કરો 20 ગ્રામ સોનાનો દોરો રૂ.50 હજાર, સાડા ત્રણ ગ્રામની સોનાની બુટ્ટી રૂ.8500, ચાંદીની 4 નંગ તોડી રૂ.5 હજાર અને 20 હજાર રૂપિયા રોકડા તિજોરીમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આજ સોસાયટીમાં રહેતા રાવલ દર્શનાબેન કલ્પેશભાઈના ઘરમાં પણ તસ્કરોએ ચોરી કરી હતી.
જેમાં 3 ગ્રામ સોનાની વીંટી રૂ.7 હજાર, 2 ગ્રામ સોનાની વીંટી રૂ.5 હજાર,સોનાની 3 જોડ બુટ્ટી રૂ.18 હજાર, બે નંગ સોનાના કાનના લટકણીયા રૂ.500, સાત નંગ નાની ચુની રૂ.5 હજાર, ચાંદીની બુટ્ટી એક હજાર રૂપિયા અને 1500 રૂપિયા રોકડા ચોરી થયા હતાં.આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ફરિયાદના આધારે પીએસઆઈ પી.એમ.કાળમાએ સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.