વિકાસકામો ઠપ:રાધનપુર પાલિકામાં 11 માસમાં છઠ્ઠા ચીફ ઓફિસર મુકાયા

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચીફ ઓફિસરના અભાવે શહેરના સાડા ત્રણ કરોડના વિકાસકામો ઠપ થઈને પડ્યાં છે

રાધનપુર નગરપાલિકામાં 11 મહિનામાં છ ચીફ ઓફિસર બદલાયા,એકપણ ચીફ ઓફિસર અહીં ઠરીને ઠામ થવાં માંગતા નથી, અઠવાડિયા પહેલા સિદ્ધપુરના ચીફ ઓફિસર સંજય પટેલને મુક્યા હતા, તેઓ બદલી કરાવીને જતાં રહેતાં તેમની જગ્યાએ નવા ચીફ ઓફિસર તરીકે ભાભર પાલિકાના વૈશાલીબેન નિનામાને મુકાયા છે. ચીફ ઓફિસરના અભાવે શહેરના સાડા ત્રણ કરોડના વિકાસકામો ઠપ થઈને પડ્યાં છે. હવે તો વિધાનસભાની ચૂંટણી બાદ જ વિકાસ કામો આગળ ધપે એવુ લાગી રહ્યું છે.

તા.16-11-2021ના રોજ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર ભ્રષ્ટાચાર કરીને ગયા બાદ તેમના વિરુદ્ધ આ બાબતે તપાસ ચાલતી હોઈ તેમને સસ્પેન્ડ કરાયા બાદ બીજા ચીફ ઓફિસરો અહીં આવવાથી ગભરાતા હોય એવુ લાગે છે.ચીફ ઓફિસર ના હોવાથી રૂ. સાડા ત્રણ કરોડના વિવિધ યોજનાઓ અંતર્ગતના વિકાસ કામો આગળ ધપી શકતા નથી.

જેમાં વિવિધ વિસ્તારોમાં રૂ.89.06 લાખના ખર્ચે ડામર તથા સીસી રોડના પેચવર્ક તેમજ રોડના રિસરફેશ કરવાના ટેન્ડરો આવી ગયા છે અને આ ટેન્ડરો ખોલવાની મુદત વીતી જવા છતાંય ટેન્ડરો ખોલ્યા નથી. આ ઉપરાંત કરોડોના વિકાસ કામોનું પેપરવર્ક તૈયાર છે પરંતુ તાંત્રિક કે વહીવટી મંજૂરીના અભાવે ચીફ ઓફિસર વિના કાર્યવાહી આગળ વધતી નથી.

લાગવગના જોરે બદલી રદ કરાવી
મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની રાધનપુર પાલિકામાં બદલી કરી હતી,પરંતુ રાજકીય વગના કારણે તેમણે બદલી બંધ રખાવી.સિદ્ધપુરના ચીફ ઓફિસર સંજય પટેલને મુક્યા તો બે દિવસ હાજરી આપીને બદલી કરાવીને જતાં રહ્યા છે.

કોંગ્રેસની બોડી હોઈ જાણી જોઈને હેરાનગતિ
પાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ પરમારે જણાવ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે અહીં કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસની બોડી હોવાથી ભાજપ દ્વારા બદનામ કરવા માટે જાણી જોઈને ચીફ ઓફિસર ન મુકી હેરાનગતિ કરવામાં આવે છે. ચીફ ઓફિસર વિના કોઈ કામો થતાં ના હોવાથી શહેરના નાગરિકોની કફોડી હાલત છે.

મુકાયેલા ચીફ ઓફિસરો
પ્રજ્ઞાબેન કોડિયાતર તા.16-11-2021 બદલી
જીગ્નેશભાઈ બારોટ તા.16-11-22થી 12-05-22
જીતેન્દ્ર એસ.પટેલ તા.07-02-22 થી 12-05-22
વિપુલભાઈ પરમાર તા.12-05-22 થી 12-10-22
સંજય એચ. પટેલ તા.20-10-22 થી 22-10-22
વૈશાલીબેન નિનામા તા.22-10-22થી મુકાયા
નોંધ :- જીતેન્દ્ર એસ.પટેલ અને વિપુલભાઈ પરમાર ઇન્ચાર્જ ચીફ ઓફિસર હતા

અન્ય સમાચારો પણ છે...