સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના અનુસૂચિત જાતિના લોકોએ રાધનપુરમાં પ્રાંત અધિકારીને આવેદન આપીને વિધર્મી માથાભારે તત્વોથી રક્ષણ આપવા માંગ કરી છે. જો આ માથાભારે તત્વોથી રક્ષણ આપવામાં નહિ આવે તો હિજરત કરીને પ્રાંત કચેરી આગળ અનશન ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
પીપરાળા ગામના તુલસીભાઇ પોપટભાઈ રાઠોડ, કાંતિભાઈ હરખાભાઈ રાઠોડ, માનાભાઇ વેરસીભાઇ રાઠોડ સહિત અનુસૂચિત જાતિના લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે માથાભારે હુસેનભાઇ જુમાભાઈ સેતા, રહેમાન મામદ હિંગોરજા, અનવરહુસેન સેતા, ઇકબાલહુસેન સેતા, બશીરરહેમાન હિંગોરજા, રહીમહુસેન સેતા, આલમ રહેમાન હિંગોરજા તથા અન્ય 4 શખ્સોએ ઘાતક હથિયારો સાથે તુલસીભાઇ પોપટભાઈ રાઠોડ અને તેમના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.
પોપટભાઈ રાઠોડ પર ઘાતક હથિયારથી માર મારી ઇજા કરતાં અમદાવાદ સિવિલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આજુબાજુના ગામડાના તેમજ રાપર તાલુકાના માથાભારે શખ્સો ગાડીમાં હથિયારો સાથે અનુસૂચિત જાતિના મહોલ્લાની આજુબાજુ ફરી રહ્યા છે. જેથી પોલીસ બંદોબસ્ત મુકવા અને માથાભારે તત્વોની તાત્કાલિક ધરપકડ કરીને ન્યાય આપવાની માંગ કરી છે.
પીપરાળા ગામે અનુસૂચિત જાતિના 50-60 કુટુંબો વસવાટ કરે છે.તેઓ તમામને બાનમાં લીધેલ છે. જો રક્ષણ આપવામાં નહિ આવે તો પીપરાળા ગામેથી અનુસૂચિત જાતિના તમામ લોકો હિજરત કરીને પ્રાંત કચેરી આગળ અનશન ઉપર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.