ચીલ ઝડપ થયાની ફરિયાદ:રાધનપુર કોલેજના સેવકને રિક્ષામાં બેસાડી રૂ.17 હજાર સેરવી લઇ 4 શખ્સો પલાયન

રાધનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા વાહનમાં જતાં ભાડું ચુકવવા જતાં ચીલઝડપની જાણ થતાં ફરિયાદ નોંધાવી

રાધનપુર કોલેજમાં સેવક રિક્ષામાં બેસીને ગોતરકા જવા નીકળ્યા હતા. રિક્ષામાં બેેઠેલા 4 શખ્સોએ નજર ચૂકવી ખીસ્સામાંથી 17 હજાર કાઢી લઈ રસ્તામાં ઉતારી લઈ ફરાર થઈ ગયા હતા. બીજા વાહનમાં જતાં ભાડું ચુકવવા જતાં ચીલ ઝડપ થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર કોલેજમાં સેવક અને વાઢિયા ગામના અમૃતલાલ કે.રાણા શુક્રવારે બપોરે 2 વાગ્યાના સુમારે કોલેજથી નીકળીને રિક્ષામાં બેસીને ગોતરકા જવા નીકળ્યા હતા. રિક્ષામાં બેઠેલા 4 શખ્સોએ અમૃતલાલને વચ્ચે બેસાડી નજર ચૂકવીને રૂ.17 હજાર રોકડા તેમના ખિસ્સામાંથી તફડાવી લીધા હતા.

થોડે દૂર ગયા બાદ અંદર બેઠેલા શખ્સોએ અમારે તેલનો ડબ્બો લેવાનો રહી ગયેલ છે,તમે અહીં ઉતરી જાઓ તેલનો ડબ્બો લઈને આવીએ તેમ કહીં અધવચ્ચે ઉતારી દીધા હતા. પ્રતીક્ષા કર્યા પછી પણ રીક્ષા ન આવતાં અમૃતલાલ બીજા સાધનમાં ઘરે ગયા હતાં. ભાડુ આપવા માટે ખિસ્સામાં હાથ નાખતા રૂ.17 હજાર ગાયબ જોઈ ચીલઝડપની જાણ થઈ હતી.

રીક્ષામાં લૂંટનો 1 મહિનામાં ત્રીજો બનાવ
રિક્ષામાં બેસાડી લૂંટી લેવાનો એક મહિનામાં આ ત્રીજો બનાવ બન્યો છે. એક ભાઈને ગંજબજારથી રિક્ષામાં બેસાડીને કંઈક સુંઘાડી ખિસ્સામાંથી પૈસા કાઢી લઈને ભાભર રોડ ઉપર ઉતારી દીધાં હતાં. અન્ય કિસ્સામાં રાપરીયા હનુમાનજી મંદિરથી ચાર રસ્તા સુધી રિક્ષામાં બેસીને આવતાં સાધુનો મોબાઈલ કાઢી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...