રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ ઠક્કર અને તેમની માતા વચ્ચેનો મિલકત વિવાદ ટોક ઓફ ટાઉન બન્યો છે. જેમાં અગાઉ કલ્પેશ ઠક્કર દ્વારા તેની બહેન બનેવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાયા બાદ મંગળવારે તેની માતા દ્વારા રાધનપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. વેદાંત સોસાયટીમાં ઘરે ગયેલાં માતા, બહેન અને બનેવીને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ રાધનપુર પોલીસ મથકે માતાએ નોધાવી છે.
રાધનપુર શહેર પ્રમુખ કલ્પેશ ઠક્કરની માતા પ્રેમીલાબેન ઠક્કર દ્વારા 10 ઓગસ્ટે પોલીસ મથકે નોધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓના પતિનું અવસાન સપ્ટેમ્બર 2020ના રોજ થયું હતું, જે બાદ તેઓના નામની સીનાડ ખાતે આવેલ અંબા મીલ, 12 દુકાનો અને 16 ખેતરો તેમના દીકરા કલ્પેશભાઈએ પોતાના નામે કરાવી લીધી છે. અને મારઝૂડ કરી સાત માસથી પ્રેમીલાબેનને ઘરમાંથી કાઢી મૂકતાં તેઓ દીકરી ભાવનાબેનના ઘરે સિદ્ધપુર રહે છે.
તેઓના પતિના અવસાનના બે દિવસ અગાઉ અમદાવાદ મુકામે નોટરી આર.એમ. ઠાકોરની રૂબરૂ વીલ (વસિયતનામું) કરી તમામ મિલ્કત તેઓના નામે ટ્રાન્સફર કરેલ છે. જેમાં રાધનપુર સ્થિત પ્લોટ વિલ આધારે તલાટી કમ મંત્રી પાસે પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યો હતો. અને મકાન દક્ષાબેન પ્રકાશભાઈને વેચાણ આપેલ છે.
ગત 8 ઓગસ્ટે બપોરે 1:30 વાગે તેઓ તથા તેમની દીકરી અને જમાઈ રાધનપુર ખાતે આવેલ તેઓના ઘેર ગયા હતા ત્યારે દીકરા કલ્પેશ ઠક્કરે તમે કેમ અહી આવ્યા છો અહીંથી જતા રહો તેમ કહી ઝગડો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી માતાને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાબતે માતા પ્રેમીલાબેને દીકરા કલ્પેશ ઠક્કર વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઈપીકો કલમ 323, 504, 294 (બી), 506(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બંને પક્ષે ફરિયાદ લીધી છે.:પીઆઈ
રાધનપુર પી.આઈ આર.કે પટેલે જણાવ્યું હતું કે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધાઈ છે. કલ્પેશ ઠક્કર દ્વારા તેમના બનેવી જયકિશન ઠક્કર, બહેન ભાવનાબેન દક્ષાબેન પ્રકાશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ મયારામ ઠક્કર અને 2 અજાણ્યા શખ્સો સામે ઈપીકો કલમ 506(2), 504, 294 (b), 447,114 મુજબ ફરિયાદ દાખલ કરી હતી
વેદાંત સોસાયટીમાં ગયા ત્યારે અમારી ધરપકડ કરાવી હતી
પ્રેમીલાબેન ઠક્કરના જમાઈ જયપ્રકાશભાઈએ જણાવ્યું કે અમે રવિવારે વેદાંત સોસાયટીમાં ગયા હતા ત્યારે સાળા કલ્પેશભાઈએ પોલીસ બોલાવી અમારી ધરપકડ કરાવી હતી. અમે પોલીસ ફરિયાદ કરવા જતા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હતી. તેથી પાટણ એસપી ઓફિસનો સહારો લીધો હતો. અમારા સાળા રાજકીય વગ ધરાવતા હોઈ અમારું કોઈ સાંભળતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.