હુકમ:રાધનપુરમાં ગેરકાયદેસર દબાણોની તપાસ કરવા પ્રાદેશિક કચેરીને આદેશ

રાધનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની રજૂઆતના પગલે રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તપાસ કરાવવા હુકમ

રાધનપુર શહેરમાં હાઇવે ઉપર ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે,તાજેતરમાં એક મોટાં ગજાના બિલ્ડર દ્વારા હાઇવે ચાર રસ્તા ઉપર બનાવેલ વિશાળ શોપિંગ સેન્ટર ઉપર મનાઈહુકમ આવી ચુક્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિકાસ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરીને બીયુ સર્ટિફિકેટ,તેમજ ઓનલાઇન પરમિશનમાં મોટાંપાયે ગેરરીતિ થઇ હોવાથી તપાસ કરવા જણાવ્યું હતું,જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રાદેશિક કમિશ્નરને આ બાબતે તપાસ કરવાનાં આદેશ આપવામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે બાંધકામની મંજૂરીઓ ઓનલાઇન આપવામાં આવે છે,પાલિકાના પદાધિકારીઓને કોઈપણ જાતની જાણ કર્યા વગર અને કોઈપણ સભાની મંજૂરી લીધા વગર જ ઓફિસર અને બાંધકામ સુપરવાઈઝર દ્વારા બારોબાર બીયુ પરમિશન અને બાંધકામ મંજૂરી આપવામાં આવે છે.છેલ્લા બે વર્ષમાં આપવામાં આવેલ મંજૂરીઓમાં મોટાપાયે ગેરરીતિ અને બાંધકામમાં શરતભંગ થયેલ છે.નકશામાં બતાવેલ પ્લાન મુજબ બાંધકામ થયેલ નથી.

ઘણી જગ્યાએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.લોકોની અનેક ફરિયાદો હોવા છતાંય ગેરકાયદેસર બાંધકામ થયેલા છે.કમિટી બનાવીને તપાસ કરવામાં આવે તો સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ થયેલા બહાર આવશે.મોટાં શોપિંગ સેન્ટરો, મોલ સહિતના બાંધકામોમાં શરતભંગ થયેલ છે.

જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાંય ગેરકાયદેસર દબાણો હટાવવાની કોઈ જ કાર્યવાહી થઇ નથી.ટાઉન પ્લાનિંગ કમિટી, કારોબારી કમિટી કે સામાન્ય સભામાં આ બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવતી નથી.ચીફ ઓફિસર અને બાંધકામ સુપરવાઈઝર દ્વારા મનસ્વી રીતે મંજૂરીઓ આપવામાં આવી છે.

વિશાળ શોપિંગ સેન્ટર પર મનાઈ હુકમ
રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શોપિંગ સેન્ટરો અને નવા બાંધકામોની સિઝન ખુલી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. જેમાં હાઇવે ચાર રસ્તા ઉપર બની રહેલા એક વિશાળ શોપિંગ સેન્ટર ઉપર મનાઈહુકમ આવ્યો છે. એની જ લાઈનમાં આવેલ મોલના બાંધકામમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની રજૂઆતો થઇ છે.

અન્ય સમાચારો પણ છે...