રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની યોજના હવે શહેરીજનો માટે એક દિવા સ્વપ્ન બની જશે. આઠ વર્ષ પહેલા 2014માં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે 31 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની રાજકીય વગ અને પાણીપુરવઠા વિભાગની ખાયકીના કારણે યોજના 2022ના આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી.
ભૂગર્ભ ગટર યોજના પાછળ ગુજરાત સરકારના₹ 56 કરોડ વપરાઈ ગયા છે અને પમ્પિંગ સ્ટેશનના પણ ઠેકાણા નથી છતાંય પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજના પૂર્ણ થયાનું સર્ટિફિકેટ આપીને હાથ અધ્ધર કરી દીધા અને તપાસનો ભોગ ના બનવું પડે એ માટે બદલી કરાવીને અહીંથી રવાના થઇ ગયા છે.પાણીપુરવઠાના અધિકારી બી.જી.ભાવસાર બદલી કરાવીને જતાં રહ્યા,હવે તેમની જગ્યાએ ડેપ્યુટી એન્જીનિયર તરીકે મુકાયેલા અમરત દેસાઈ પણ બદલી કરાવીને મોઢેરા જતાં રહ્યા છે.
રજૂઆતો કરી કરીને થાકી ગયા
પાલિકા ઉપપ્રમુખ કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ ઉચ્ચ લેવલે રજૂઆતો કરીને થાકી ગયા પણ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ ના થયું.પાણીપુરવઠા વિભાગને પણ અવાર-નવાર નોટિસો આપવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી. ભૂગર્ભ ગટરની કામગીરી ફોનિક્ષ લીમિટેડને 2014 આપી હતી. આજ સુધી કામગીરી પૂર્ણ કરાઈ નથી.કોઈ સાંભળતું જ નથી.
ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો
પાણી પુરવઠાના ડેપ્યુટી ઈજનેર અમરત દેસાઈ બદલી કરાવીને મોઢેરા ગયા છે. પરંતુ તેમને રાધનપુર ખાતે ચાર્જમાં મૂકવામાં આવેલા છે. એમનું નિવેદન લેવા દસ વાર ફોન કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હોવાથી નિવેદન લઈ શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.