રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીનો કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈ સામે 22463 મતે વિજય થયો,પરંતુ અનેક સમસ્યાઓથી ત્રસ્ત રાધનપુર શહેરની જનતાએ કોંગ્રેસને 1694 મતની લીડ આપીને બધાંયને ચોંકાવી દીધા છે.
રાધનપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીને સાંતલપુર તાલુકામાંથી કુલ 113 બુથમાંથી 34465 મત મળ્યા,કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈને 30970 મત મળતાં લવિંગજી સોલંકીને સાંતલપુર તાલુકામાં 3495 મતની લીડ મળી હતી જો કે સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીમાંથી કોંગ્રેસના રઘુભાઇ દેસાઈને કુલ આઠ બુથ ઉપર 2679 મત મળ્યા અને ભાજપના લવિંગજી સોલંકીને 1530 મળતાં કોંગ્રેસને 1149 મતની લીડ મળી હતી.
રાધનપુર તાલુકામાંથી ભાજપને 44747 અને કોંગ્રેસને 35797 મત મળતાં ભાજપને 8950 મતની લીડ મળી,જો કે રાધનપુર સિટીમાંથી કોંગ્રેસને 11236 અને ભાજપને 9543 મત મળતાં કોંગ્રેસને 1694 મતની લીડ મળવા પામી હતી.સમી તાલુકામાં ભાજપને 24713 મત મળ્યા અને કોંગ્રેસને 14642 મત મળતાં ભાજપને 10071 ની લીડ મળી હતી.આમ શહેરી મતદારો કોંગ્રેસ તરફી અને ગ્રામ્ય મતદારોએ ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું જણાયું હતું.
રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી સત્તા ઉપર છે,અને લોકો બિસ્માર રસ્તાઓ, ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાસેલા હોવા છતાંય કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈને મત આપતા શહેરના નાગરિકોને કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈ ઉપર વિશ્વાસ હોવાનું સાબિત કર્યું છે. વારાહીમાં પણ કોંગ્રેસને 1149 મતની લીડ મળી છે.વારાહીના કુલ આઠ મતદાન મથકોમાંથી એકપણ મથક ઉપર ભાજપને લીડ મળી નથી,તમામ મતદાન મથકો ઉપર કોંગ્રેસને જ લીડ મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.