રાધનપુર બેઠક પર સ્થાનિક અગ્રણીઓ દ્વારા બહારના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ખુલ્લેઆમ વિરોધ કરતાં ભાજપ મોવડી મંડળ પણ અવઢવમાં પડી ગયું હતું. છેવટે ભાજપે સ્થાનિક લવિંગજી સોલંકીને ટિકિટ આપવી પડી છે. તેઓ શાકભાજી વેચતા વેચતા અચાનક રાજકીય મેદાનમાં આવી ગયા હતા અને 27 વર્ષના રાજકીય અનુભવમાં ઘડાઈ ગયા છે ઠાકોર સમાજના મતદારોનો ચહેરો તેઓ બનાવી શકયા છે. એક અદના રાજકીય વ્યક્તિ તરીકેની તેમની છબી ફરી એકવાર તેમને ફળી છે અને ભાજપની ટિકિટ ફરીથી મળી છે.
ડીસામાં શાકભાજીનો ધંધો કરતાં લવિંગજી સોલંકી 1995 માં પ્રથમ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા જેમાં તેઓ મૂળ રાધનપુર તાલુકાના પરસુંદ ગામના વતની હોય અને ઠાકોર સમાજના વોટ વધારે હોવાથી તેઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જે ચૂંટણીમાં ભાજપના સમ્યમાં ભાઈ ચૌધરી અને કોંગ્રેસના હિંમતલાલ મુલાણી મુખ્ય સ્પર્ધામાં મનાતા હતા પરંતુ સમગ્ર ઠાકોર સમાજ એક થઇ ગયો હતો અને અન્ય સમાજોની મદદથી અપક્ષ હોવા છતાંય માત્ર 307 મતની લીડ થી ચૂંટણી જીતી ગયા હતા.
1998માં આવેલી ચૂંટણીમાં લવિંગજી સોલંકી રાજપામાંથી ઉમેદવારી કરીને ભાજપાના શંકરભાઇ ચૌધરી સામે હારી ગયા હતા.તેઓ બીજા નંબરે રહ્યા હતા.2002માં કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડ્યા હતા અને ફરીથી શંકર ચૌધરી સામે હારી ગયા હતા.2007માં ચૂંટણી નહોતા લડ્યા. પણ 2017માં ભાજપના ઉમેદવાર તરીકે મેદાને આવ્યા હતા પણ કોંગ્રેસના અલ્પેશે તેમને હરાવ્યા હતા. આ રીતે તેઓ રાજકારણમાં અનુભવી રહ્યા છે. જિલ્લા પંચાયતના ડેલિગેટ રહી ચૂક્યા છે. હાલમાં તેમનાં પત્ની ડેલિગેટ છે.
લવિંગજી સોલંકીએ જે રીતે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. આનાથી પાર્ટીમાં સ્પષ્ટ સંદેશો ગયો હતો કે જો અલ્પેશને ટિકિટ આપી તો આ બેઠક ભાજપને ફરી ગુમાવવી પડશે. બે-ત્રણ સંમેલનો કરી ખુલ્લેઆમ ભાજપના નેતાનો આટલો વિરોધ પ્રદેશમાં બીજે કયાંય ન થયો. એક તબક્કે એવું લાગતું હતું કે કોંગ્રેસ પણ રાધનપુરમાં આ વખતે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપશે પણ કોંગ્રેસે રઘુ દેસાઇ પર જ ભરોસો કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.