હોસ્પિટલનું નિર્માણ:રાધનપુરમાં ધારાસભ્યના માતાના નામે 22 કરોડના ખર્ચે જનરલ હોસ્પિટલનું નિર્માણ

રાધનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર,સાંતલપુર, સમી સહિતના વિસ્તારોના લોકોને મફ્તમાં તમામ સારવાર ઉપલબ્ધ બનશે
  • હોસ્પિટલમાં કેન્સરથી માંડીને તમામ રોગોના ડોક્ટરો મુકાશે, એક્સરે-સોનોગ્રાફી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે,દોઢ બે મહિનામાં હોસ્પિટલ તૈયાર થવાની શક્યતા

રાધનપુર વિસ્તારના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા એમના માતૃશ્રી કેશરબાના નામે રૂ.22 કરોડના ખર્ચે ચાર માળની વિશાલ હોસ્પિટલનું નિર્માણ હાથ ધર્યું છે. જે આગામી બે મહિનામાં તૈયાર થઇ જશે અને રાધનપુર,સાંતલપુર, સમી ઉપરાંત આજુબાજુના વિસ્તારોની ગરીબ જનતાને મફતમાં તમામ સારવાર ઉપલબ્ધ બનશે.

પાટણ જિલ્લાના છેવડાના રાધનપુર,સાંતલપુર અને સમી તાલુકાના લોકોને કોરોનાકાળમાં ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજન વિના અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક લોકો મોતના મુખમાં પણ ધકેલાઈ ગયા હતા. આજે પણ લોકોને સારવાર માટે પાટણ અને અમદાવાદ સુધી લાંબા થવું પડે છે ત્યારે ચાર માળની આ હોસ્પિટલમાં કેન્સરથી માંડીને તમામ રોગોના ડોક્ટરો મુકવામાં આવશે. જેના લીધે તમામ રોગોની સારવાર મળી રહેશે. એક્સરે-સોનોગ્રાફી સહીત તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

હોસ્પિટલ માટે જમીન દાનમાં મળી
ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ માતૃશ્રીના નામે હોસ્પિટલ બનાવવાની વાત સર્વોદય આરોગ્ય નિધિના શ્યામસુંદરભાઈ પરીખને કરતા તેમણે કોઈપણ જાતની ચર્ચા વગર જ સર્વોદય આરોગ્ય નિધિ કેમ્પસમાં એકપણ રૂપિયો લીધા વગર જ જમીન ફાળવી દીધી. જ્યાં આજે વિશાળ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણતાની આરે છે. શ્યામસુંદરભાઈ પરીખે અગાઉ બ્રહ્માકુમારીઝને કેન્દ્ર માટે ફાળવતા આજે બ્રહ્માકુમારીઝનું કેન્દ્ર્ર કાર્યરત છે.

માતૃશ્રીના અચાનક મૃત્યુથી પ્રેરણા મળી
ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે 2017માં તેમના માતૃશ્રી કેશરબાનું હૃદયરોગના હુમલામાં અચાનક દુઃખદ અવસાન થયું હતું.અને કોરોનાકાળમાં અનેક પરિવારોમાં પરિવારજનોના મોત થતાં અને લોકોને દુઃખી જોતા આ હોસ્પિટલ બનાવવાની પ્રેરણા મળી છે. આ હોસ્પિટલ ઓક્ટોબર મહિનામાં શરુ થઇ જાય એવા પ્રયાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...