આક્ષેપ:રાધનપુરમાં ગેરકાયદે પાણીનું જોડાણ લઈને દૂષિત પાણી વેચાતું હોવાની ફરિયાદ

રાધનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરીને પાણી શુદ્ધિકરણ કર્યા વગર જ વેચાઈ રહ્યાની રાવ

રાધનપુર શહેરમાં નગરપાલિકાની મંજૂરી વગર પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર કનેકશન લઈને ગેરકાયદેસર મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરી પાણીને ફિલ્ટર કરવાનાં નામ ઉપર 400 ટીડીએસવાળું પાણી ક્લોરિનેશન કર્યાં વગર જ શહેરીજનોને પીવડાવવામાં આવે છે તેવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. આ બાબતે નગરપાલિકાના સદસ્ય કે.એસ.ઘાંચી દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ શહેરમાં પ્રભાત ટોકિઝ ખાતે ચાલતા ખાનગી મિનરલ પ્લાન્ટમાં જગ્યાના માલિક જાકીર ગાંધી દ્વારા જગ્યામાં ગેરકાયદેસર રીતે પાણીને ફિલ્ટર કરીને વેચવામાં આવે છે. આ માટે પાણી શુદ્ધિકરણ કરવાનો કોઈ જ પરવાનો સરકાર દ્વારા આપેલ નથી.રોજનું 50 હજાર લીટર પાણી પ્રજાને વેચાય છે,અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાય છે. પાણીના પ્રોડક્શનના ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

તપાસ કરીને કાર્યવાહી કરાશે
પાલિકા પ્રમુખ મહેશભાઈ અદાના જણાવ્યા મુજબ પાલિકામાં રજુઆતની અરજી આવેલી છે.પાણી પુરવઠા વિભાગના ઇન્ચાર્જ પ્રકાશપુરી ગોસ્વામીને તપાસ માટે કહી દેવાયું છે.જેઓ ચૂંટણી કાર્યવાહીમાં વ્યસ્ત હોઈ બે દિવસમાં સ્થળ તપાસ કરીને જે તે કાયદેસર કાર્યવાહી કરાશે.

પાણીનું ટેસ્ટિંગ કરવું જોઈએ
નગરપાલિકા દ્વારા આ વોટર સપ્લાય પ્લાન્ટમાંથી પાણીનો 18 લીટરનો કેરબો વેચાતો લઈને જાતે ટેસ્ટિંગ કરી-કરાવીને ગેરકાયદેસર પાણીની ફેક્ટરીને સીલ મારવા કોર્પોરેટર દ્વારા રજૂઆત કરી છે. છેલ્લા 7 વર્ષથી પાલિકાની મંજૂરી વગર કનેકશન લઈને નગરપાલિકાને મોટું નુકશાન કર્યુ છે. આ ઉપરાંત આ લાઈનમાંથી મુસ્લિમ અને ઠાકોરવાસના લોકોને પાણી પહોંચે છે, જેમને પાણીની તકલીફ ઉભી થઇ રહી છે તેમાં પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...