તપાસ:રાધનપુર પાલિકા પ્રમુખની ફેક્ટરીમાં બાળમજૂરી કરાવાતી હોવાની ફરિયાદ

રાધનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પ્રમુખ અને ફેક્ટરીના સુપરવાઈઝર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
  • 8 માસ અગાઉ ફેક્ટરીમાં 16 વર્ષિય સગીરનો હાથ કપાઈ જતાં હૈયાધારણા બાદ પણ વળતર ન ચુકવાતાં રાજસ્થાન અને રાધનપુર પોલીસમાં ફરિયાદ

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદા તેમની તાલુકાના શેરગંજ ખાતેની અદા ઓઇલ નામની ફેક્ટરીમાં બાળ મજૂરોને બંધક બનાવી રાખી બાળ મજૂરી કરાવતા હોવાનો ગંભીર ઘટસ્ફોટ થયો હતો. આજથી દશેક મહિના પહેલા ફેક‌ટરીમાં કામ કરતાં 16 વર્ષિય સગીરનો હાથ કપાઈ ગયો હતો. જે અંગે મોડે મોડે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર સર્જાઈ છે.

રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા મુજબ રાજસ્થાનના ડુંગરપુરના લોહારિયા વિકાસનગરમાં રહેતાં રમેશચંદ્ર નાનૈયા પારગીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર શેરગંજ ખાતેની અદા રીફાઈનરી ઓઇલ ફેક્ટરીમાં 21-03-22ના રોજ તેમનો મોટો દીકરો અનિલ પારગી(16 વર્ષીય) ત્યાં નોકરી કરતા તેના નાના ભાઈ કપિલ(14 વર્ષીય)ને લેવા ફેક્ટરીમાં જતાં ફેક્ટરીના માલિક મહેશભાઈ અદાએ કામ જલદી ખતમ થાય તો તારા નાના ભાઈને રજા મળશે. તું પણ કામે લાગી જા તો 500 રૂપિયા પગાર મળશે તેમ જણાવતાં અનિલે પણ કામ શરૂ કર્યું હતું.

કપિલને રાજસ્થાનના ડુંગરપુરનો શારદા ભાણા કટારા કામ માટે લઇ આવ્યો હતો.જ્યારે ફેક્ટરીનો સુપરવાઈઝર પપ્પુ ચૌધરી પણ બાળમજૂરી કરાવતા હતાં. બંને ભાઈઓને 12-12 કલાક મજૂરી કરાવતા હતાં.ઓવરટાઈમ પણ કરાવતા અને કામ ના કરે તો ડરાવતા-ધમકાવતા હતાં. ફેક્ટરીની બહાર પણ નીકળવા દેતા નહોતા અને ફેક્ટરીમાં બંધક બનાવીને રાખ્યા હતાં.સમયસર જમવાનું પણ આપતા નહોતા. ગત તા.31-03-2022 ના રોજ ફેક્ટરીના સુપરવાઇઝર પપ્પુ ચૌધરીએ અનિલને મોટા મશીન ઉપર કામ કરવા સૂચના આપતા મશીનનો પટ્ટો ઉતરેલો હોઈ ચડાવતો હતો.

એ સમય દરમ્યાન મશીન ચાલુ કરી દેતા અનિલનો ડાબો હાથ મશીનમાં આવી જતાં કપાઈ ગયો હતો. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.પછી તેને વળતર આપવાની હૈયાધારણ આપીને વતનમાં મોકલી દેવામાં આવ્યો હતો.પરંતુ આજદિન સુધીમાં કોઈ સહાય કે વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. આ અંગે તા.13-05-22ના રોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરવા છતાંય ફરિયાદ દાખલ નહોતી થઇ.

રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી
રમેશચંદ્ર નાનૈયા પારગીએ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચૌરાસી પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક મહેશભાઈ અદા, સુપરવાઈઝર પપ્પુ ચૌધરી અને વચોટિયા શારદા ભાણા કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...