રાધનપુર તાલુકાના પોરાણા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.લોકો તળાવ-કુવા અને કેનાલનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.છેલ્લા દોઢ માસથી પીવાનું પાણી મળતું ના હોવાથી ગ્રામજનો અને પશુઓની હાલત કફોડી બની છે.
પોરાણા ગામે પીવાના પાણીની પારાયણને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ગામમાં દોઢ મહિનાથી પીવાનું પાણી ના આવતા ગામલોકોએ ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયત કચેરીની બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતાં.મહિલાઓએ મોટી સંખ્યામાં બેડા લઈને ભેગાં થઈને \"પાણી આપો..પાણી આપો\" ના પોકાર કર્યા હતાં.
ગામના બાળકોને પોતાનો અભ્યાસ બગાડી પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ પાણી ના મળતા ગ્રામજનો આકરા પાણીએ થયાં હતાં.ગ્રામજનોને વેચાતાં પાણીના ટેન્કર લાવીને ચલાવવું પડે છે.
ગામના સરપંચ ઉદેસિંહ દેહળાજી ઠાકોરે જણાવ્યું કે દોઢેક મહિનાથી ગામમાં પીવાનું પાણી નથી આવતું. ગામલોકોને તળાવ-કુવા અને નહેરનું ગંદુ પાણી નાછૂટકે પીવું પડે છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.ગામલોકોને તાત્કાલિક અને સમયસર પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.