બેઠક:રાધનપુરમાં સફાઈ કર્મીઓની હડતાળ વચ્ચે પાલિકાના મહિલા ચીફ ઓફિસર રજા ઉપર

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ સફાઈ કામદારો સાથે બેઠક કરી હતી. - Divya Bhaskar
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ સફાઈ કામદારો સાથે બેઠક કરી હતી.
  • વતનમાં જવાનું કહીને પ્રજ્ઞાબેન કોડિયાતર 24 દિવસની રજા પર ઉતરી ગયાં
  • પાટણ પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીને ચાર્જ સોંપાયો

રાધનપુર શહેરમાં પાલિકાના સફાઈ કામદારો બે મહિના કરતાં વધુ સમયથી હડતાળ ઉપર હોવાથી સફાઈના અભાવે સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ માટે ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર જવાબદાર હોવાના અને અન્ય આક્ષેપો થતાં ચીફ ઓફિસર સામાજિક કામ અને તહેવારો નિમિત્તે વતનમાં જવાનું હોવાથી 24 દિવસની હક્ક રજા ઉપર ઉતરી ગયા છે. એમની જગ્યાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અગાઉ રાધનપુર પાલિકામાં ફરજ બજાવી ચૂકેલા પાંચાભાઇ માળીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ મંગળવારે પ્રમુખ મહેશભાઈ અદા, ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર સહિતની ઉપસ્થિતિમાં હડતાળ ઉપર ઉતરેલાં 104 સફાઈ કામદારો સાથે સેનિટેશનની ઓફિસમાં બેઠક કરી હતી. સફાઈ કામદારોને તેમની જે કોઈ સમસ્યા હોય એને હલ કરવાની ખાત્રી આપીને આખા શહેરના તમામ વિસ્તારોમાં સફાઈ કરવા જણાવ્યું હતું. જે 16 કર્મચારીઓની સફાઈ કામદાર તરીકે ભરતી કરવામાં આવી છે. એ લોકો પણ સફાઈમાં જોડાશે તેવી ખાત્રી આપી હતી.

ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ સફાઈ કામદારોને જણાવ્યું હતું કે જ્યાં સુધી આખું શહેર ચોખ્ખું નહિ થાય ત્યાં સુધી રાધનપુરમાં નહીં જમું અને જે સફાઈ કામદાર સારામાં સારી સફાઈ કરશે એના ઘરે જઈને ભોજન લઈશ. સફાઈ કામદારોએ પણ સફાઈ કરવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ પાલિકા કચેરીના કર્મચારીઓ સાથે પણ ચીફ ઓફિસરે બેઠક કરીને જાતમાહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...