બોગસ ડિગ્રી કાંડ:યોગેશ પટેલની જામીન અરજી નામંજૂર, કોર્ટે કહ્યું - 'આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવે તો તપાસ ખોરંભે પડી જાય'

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની ઉંડાણપૂર્વક તપાસ થવી જરુરી છે, આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન તથા તપાસમાં તેની હાજરી જરુરી છે: કોર્ટ

પાટણનાં ખોટી ડિગ્રીધારક યોગેશ ભરતભાઇ પટેલે પોતાની સામેનાં કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા માટે મુકેલી આગોતરા જામીન અરજી પાટણનાં સેસન્સ જજ જી.જે. શાહે નામંજૂર કરી હતી. તેઓ બંને પક્ષની રજૂઆતો સાંભળીને આરોપીની આગોતરા જામીન અરજી નામંજબર કરતાં તેઓએ બંને પક્ષોની દલીલો તથા તપાસ અધિકારીનાં સોગંધનામાને ટાંકીને પોતાનાં ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધ કલમ 465, 467, 468, 471, 336, 304, 201, 114 પ્રેક્ટીશનર એક્ટની કલમ-30, 33 મુજબના ગુનાનો આક્ષેપ છે.

ખોટા સર્ટીફિકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો
આ કેસમાં ફરીયાદ હકીકત તથા ત.ક. અમલદારનું સોગંદનામું જોવામાં આવે તો આ કેસનાં આરોપી યોગેશ પટેલ જી.એમ.સી. રજી. નં. જી.-18505તથા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ફોર એડીશ્નલ મેડીકલ ક્વોલીફીકેશન નં. જી.-56912ના મેડીકલ રજીસ્ટ્રેશન ડીગ્રી સર્ટીફીકેટ ન હોવા છતાં ખોટા સર્ટીફિકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, એમ.ડી. મેડીસીન ની કોઇ ડીગ્રી નહીં હોવા છતાં પોતે એમ.ડી. (મેડીસીન) ફીજીશીયન તરીકે પાટણમાં પ્રસિધ્ધ હોસ્પિટલ ચાલુ કરી દોઢ વર્ષથી લોકોનાં સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરી લોકોનું જીવન જોખમાય તે રીતેનું કૃત્ય કરી, અત્યારની તપાસ દરમિયાન બે વ્યક્તિઓનાં મોત નિપજાવેલ હોવાનો અને પોતાની હોસ્પિટલની અંદરનો પુરાવો ખસેડાવી નાશ કરી ગુનો કરેલ હોવાનો આક્ષેપ છે.

એમડી મેડિસીન ન હોવા છતાંય પેક્ટિસ કરી
આરોપીએ તેમની અરજીમાં પ્રસિધ્ધ હોસ્પિટલમાં તેઓ સારવાર આપતા ન હતા અથવા તે હોસ્પિટલમાં પોતે એમ.ડી. મેડીસીન, કન્સલ્ટન્ટ ફીઝીશીયન એન્ડ કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવા આપતા ન હતા તેવું કાંઇ જણાવેલ નથી. તપાસના કાગળો વંચાણે લેતા, ગુનાવાળી જગ્યા એટલે કે, પ્રસિધ્ધ આ હોસ્પિટલનાં પંચનામા દરમિયાન આ પ્રકારની સારવારના સાધનો ત્યાં જણાઇ આવેલ છે અને સાહેદોના જવાબમાં આરોપીએ તેઓની તે મુજબની સારવાર કર્યાનું જણાવ્યું છે.

આરોપીનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરી
તપાસના કાગળો વંચાણે લેતા, ફરીયાદના સમર્થનમાં પ્રથમ દર્શનીય પુરાવા જણાય છે. તેથી ફરીયાદ ખોટી હોવાનો બચાવ આ તબક્કે ટકવાપાત્ર નથી. આ કામે ગુનાના મુળ સુધી પહોંચવા તથા હોસ્પિટલમાંથી ખસેડવામાં આવેલ પુરાવા અંગેની તપાસ માટે આરોપીનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરી જણાય છે.
આ ગુનાની સમાજ ઉપર વ્યાપક અસર થયેલ જણાય છે અને તેથી તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. આ કેસમાં ત.ક. અમલદારનું સોગંદનામું ધ્યાને લેતા, હાલમાં તપાસ ચાલુ છે અને તપાસના કામે હાલના આરોપીની હાજરીની જરુર જણાય છે. આરોપી નાસતા ફરે છે.

જામીન અરજી મંજૂર કરવામાં આવે તો તપાસ ખોરંભે પડી જાય
આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવે તો તપાસ ખોરંભે પડી જાય તેમ છે. જેથી તપાસના કામે ગુનાના મુળ સુધી પહોંચવા માટે આરોપીની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરુર જણાય છે. વર્તમાન કેસમાં આરોપી પાસેથી ગુનાની મહત્વની હકીકતો મળી શકે તેમ છે. આ તમામ સંજોગોમાં આ કામના આરોપીનો ગુનામાં રોલ તથા ગુનાની ગંભીરતા, સજાની જોગવાઇ ધ્યાને લેતાં તથા એ.પી.પી.ની દલીલો તેમજ આ કામના આરોપી વિરુદ્ધ પોલીસ રેકર્ડ પરનો પુરાવો ધ્યાને લેતાં આગોતરા જામીન પર મુક્ત કરવાનું વ્યાજબી અને યોગ્ય જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...