બોર્ડ MDનું અને ડિગ્રી BAMSની:ડિગ્રીની પોલ ખુલતા યોગેશ પટેલ 24 કલાક ખુલ્લી રહેતી પાટણની હોસ્પિટલને તાળા મારી ગાયબ થઇ ગયો

પાટણ21 દિવસ પહેલા
  • ખોટી ડિગ્રીના આધારે પાટણમાં એમડી મેડિસિન ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતો હકો
  • યોગેશ પટેલ સામે ઉંડી તપાસ કરી કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી

પાટણ શહેરમાં જૂના બસ સ્ટેશન રોડ પર પ્રસિદ્ધ હોસ્પિટલ ધરાવતા ડો. યોગેશ બી. પટેલની એમડીની મેડિકલની ડિગ્રી અને સર્ટિફિકેટ ખોટું હોવાનું ચર્ચાસ્પદ બન્યા બાદ સમગ્ર મામલો ચર્ચાની ચકડોળ એ ચડતા સત્ય એવું બહાર આવવા આવ્યું છે કે, આ ડોક્ટર માત્ર બીએએમએસની ડિગ્રી ધરાવે છે. ખોટા સર્ટી બનાવી ખોટી ડિગ્રીના આધારે એમડી મેડિસિન ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ બાબત પાટણાના મેડિકલ ક્ષેત્રમાં અને તબીબી વર્તુળમાં ગંભીર ચર્ચા અને ચિંતાનો મુદ્દો બની જવા પામ્યો હતો. જેમાં તપાસના આધારે એવું બહાર આવવા પામ્યું છે કે ડો. યોગેશ પટેલે 2012માં પારુલ યુનિવર્સિટીમાંથી બીએએમએસની ડિગ્રી મેળવેલી છે. એટલે કે તે એમડી મેડિસીનની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ખોટા સર્ટિફિકેટ બનાવીને પાટણમાં એમડી મેડિસિનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મેડિકલ અને આરોગ્યની દૃષ્ટિએ આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મામલો હોઇ આ સમગ્ર બાબત ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે પહોંચી છે.

પાટણના તબીબી વર્તુળમાં થતી ચર્ચાઓ મુજબ ડો. યોગેશ પટેલ દ્વારા પોતે એમડી નથી પરંતુ બીએએમએસની ડિગ્રી મેળવેલી છે તેવું કબૂલ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાલમાં તે પાટણ ખાતેની હોસ્પિટલને તાળા મારી છૂ થઇ ગયો છે. આ મામલે આઈએમ પાટણના પ્રમુખ હીનેસ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસ અધિકારી અને હાલના ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડી.એમ. સોલંકીને અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે.

હાલના કલેક્ટર અને ડીડીઓ ડી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે, મને પાટણના તબીબનો ફોન આવ્યો હતો જેઓને મેં સાંભળ્યા હતા. તેમજ મેસેજ મારફ્તે આ મામલે રજૂઆત મળી છે. મેં જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે તપાસ કરીને પુરાવાઓ એકત્રિત કરવા માટે સૂચના આપી છે. ટીમે યોગેશ પટેલની યો. હોસ્પિટલની મુલાકાત લેતાં તે હોસ્પિટલ બંધ હતી. હોસ્પિટલની બહાર નોટિસ લગાવાશે. બાદમાં પુરાવાઓને આધારે કાર્યવાહી હાથ ધરાશે.

બુધવારે ડિગ્રી સર્ટીફિકેટને લઈને વિવાદ ઉભો થતાં આખો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને યોગેશ પટેલ પોતે જે પહેલા 24 કલાક હોસ્પિટલ ખુલ્લી રાખતા તે પોતાની હોસ્પિટલ અને આઈસીયુને તાળા મારી મંગળવાર સાંજથી જ રવાના થઈ ગયા હતા. આ બાબતે વિગતો જાણવા યોગશ પટેલના મોબાઈલ પર પ્રયત્ન કરવા છતાં તેણે ફોન ઉપાડયો નહતો.

યોગેશ પટેલે અગાઉ રાધનપુરની એક હોસ્પિટલમાં અઢી વર્ષ સુધી એમડી મેડિસીન ફિઝિશિયન ર્ડાકટર બનીને પ્રેક્ટિસ કરી હતી તેવી પણ વિગતો સામે આવી છે. રાધનપુરના ર્ડા.પંકજ સિંહાએ જણાવ્યું હતું કે, અમદાવાદના નરોડા ખાતે ર્ડાકટર તરીકે કામગીરી કરી હોવાનું જણાવી પોતાના સર્ટીફિકેટ બતાવી એમબીબીએસ બરોડામાં તેમજ એમડી અમદાવાદ ખાતે કર્યું હોવાનું કહી નોકરી મેળવી હતી. છેલ્લા બે, ત્રણ વર્ષથી પાટણ શહેરમાં પ્રેક્ટિસ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...