યુનાઇટેડ નેસન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પાટણ શહેરના સૂર્યાનગરના ભીલવાસ નજીક આવેલા ડોલ્ફીન હોલ ખાતે સમસ્ત આદિવાસી સમાજ પાટણ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને આજે પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના પીપળાગેટ ભીલવાસ ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા સમાજના લોકો આદિવાસી સ્વાંગમાં સજ્જ થઇ પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી. ત્યારબાદ વિવિધ વિસ્તારમાંથી યોજાયેલી શોભાયાત્રાઓ સૂર્યનગર નજીક ડોલ્ફીન હોલ ખાતે સમાપન કરવામાં આવી હતી જ્યાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ અંગે પ્રાસંગિક ઉ્દબોધન કરી સમગ્ર દેશમાં આદિવાસી સમાજ એક બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન અને સમાજની જરૂરિયાત મંદ મહિલાઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. તો સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભુલકાઓએ આદિવાસી લાવણી નૃત્ય સહિત આદિવાસી પોશાકમાં સજ્જ થઇ પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી.ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા પર્યાવરણના જતનને અનુલક્ષી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર એન એસ.ઢીયા, પોલીસ અધિકારી પલાસભાઈ, બાબુભાઇ ભીલ, વિનોદભાઈ, પ્રમુખ એમ.કે.ભીલ, ડી.જે.ભીલ, શિવમભાઈ ભીલ, ગોવિંદભાઈ ભીલ, રાજેશભાઈ ઝાલા,સહિત સમાજના આગેવાનો અને સમસ્ત ભીલ પરીવારજનો કોરોના ની ગાઈડ લાઈન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.