અત્યાધુનિક ટેક્નોલોજીને પ્રદર્શિત કરતી ગેલેરીઓની પણ મુલાકાત કરી
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મોર્ડન ટેકનોલોજી વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ પ્રાથમિક અને માધ્યમિકના શાળાના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉડાન વિદ્યાલયના 170 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ તેમજ 11 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.
આ રિજિયોનલ સાયન્સ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ વર્કશોપમાં આવેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોને “મોર્ડન ટેકનોલોજી” વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ટેકનોલોજીની મદદથી ક્યાંથી કયા પહોંચી ગયું છે. અત્યારના સમયમાં માણસનું જીવન સવારથી ઉઠે ત્યારથી લઈને સુવે ત્યાર સુધી દિવસ દરમિયાન ટેકનોલોજી પર આધારિત થઈ ગયું છે.
વધુમાં જણાવ્યું કે, ભૂતકાળથી લઈને વર્તમાન સુધીના સમયગાળામાં માનવજાતે ટેક્નોલોજીમાં ભવ્ય ઉત્ક્રાંતિ કરી છે. ઉદાહરણ તરીકે પૈડું કે જે આદિમાનવઓ દ્વારા વિકસાવામાં આવ્યું હતું જે આજના મોર્ડન યુગમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. હાલમાં રોકેટ સાયન્સ, સ્માર્ટ મોબાઈલ, સુપર કોમ્પ્યુટર,પહેલાનું થિએટર અને હાલનું મોર્ડન ટેકનોલોજી થી સુસજ્જ થિએટર, વર્ચ્યુઅલ રિઆલિટી જેવી વગેરે મોર્ડન ટેકનોલોજી વિષેની માહિતી આપવામાં આવી હતી.
નિષ્ણાત ગેલેરી ગાઈડ દ્વારા 5 જુદી-જુદી અત્યાધુનિક ટેક્નોલોજીને પ્રદર્શિત કરતી ગેલેરીઓની મુલાકાત કરી હતી. પાટણ જિલ્લામાં આ પ્રકારના સાયન્સ સેન્ટર જોઈને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ખૂબ જ આનંદ અનુભવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.