ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને પાટણમાં મહિલા મંડળ કેન્દ્રમાં માર્ટ કલાના હુન્નર થકી વિવિધ સમાજની બહેનો આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરી રહી છે. બહેનો દ્વારા રક્ષાબંધનના પર્વને લઇ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહી છે . તો સાથે સાથે આ આર્ટ કલાના કાર્યમાં મુસ્લિમ સમાજની બહેનો પણ કોમી એખલાસની ભાવના સાથે રક્ષા કવચ બનાવી પોતાને પણ આ તહેવારમાં સહભાગી કરી રહી છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનનું પવિત્ર પર્વ શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવાય છે. આ દિવસે બહેન પોતાના બાંધવને રક્ષાકવચ રૂપી રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તો બહેનનો ભાઇ પણ પોતાની બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. આમ ભાઇ બહેનના અખૂટ પર્વ સમા રક્ષાબંધનના અમૂલ્ય અને લાગણીના તંતુ સાથે જોડાયેલ પવિત્ર તહેવાર છે.
બહેન જે રક્ષા પોતાના ભાઇના કાંડા ઉપર બાંધે છે તે રાખડીઓ પાટણમાં આત્મનિર્ભર શબ્દને ઉજાગર કરવા પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા સંચાલિત મહિલા મંડળ કેન્દ્રના સ્માર્ટ કલાસીસ ખાતે આર્ટના હુન્નર થકી બહેનો રાખડીઓ બનાવી રહી છે. ખાસ કરીને અહીંયા બનાવવામાં આવતી રાખડીઓમાં ગમ કે અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર રંગીન દોરામાં બહેનો દ્વારા રંગબેરંગી મોતી પરોવી તેમાં પંચધાતુના પેન્ડલને પરોવી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ સ્માર્ટ કલાસમાં 25થી વધુ બહેનો રાખડીઓ બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આર્ટ કલાના હુન્નર થકી આ બહેનોએ અલગ અલગ પ્રકારની એક હજાર જેટલી રાખડીઓ બનાવી છે. તો આ રાખડીના હુન્નરમાં મુસ્લિમ સમાજની બહેનો પણ કોમી એખલાસની ભાવના સાથે રાખડીઓ બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.
ખાસ કરીને આ કેન્દ્રમાં તૈયાર થતી રાખડીઓ બજારમાં વેચાતી અન્ય રાખડીઓ કરતાં 50 ટકા ભાવે ઓછી અને સારી કવોલીટીની ઉપલબ્ધ થઇ રહી છે. બજારમાં મળતી 100થી 150 રૂપિયાની રક્ષા મહિલા મંડળમાં માત્ર 20થી 40 રૂપિયાના ભાવે વેચાણ અર્થે મુકવામાં આવી છે. તો આ આર્ટ કલાસમાં મહેંદી, સિવણ, ભરતગુંથણ સહિત અન્ય હુન્નર થકી બહેનો આત્મનિર્ભર બની રહી છે.
આર્ટ ક્લાસનું સંચાલન કરતા સેવાભાવી ડો.સોમપુરાએ બહેનોને પગભર કરવા પોતાના સ્વખર્ચે રાખડીઓનું રોમટીરીયલ પુરુ પાડયું છે. તો આ આર્ટ કલાસની બહેનોને પ્રોત્સાહન આપવા નગરજનો એક્વાર મહિલા મંડળ કેન્દ્રની મુલાકાત લઇ રાખડીઓની ખરીદી કરે તેવો અનુરોધ સંચાલકે કર્યો છે. તો આ રાખડીઓના વેચાણ બાદ એકત્રિત થયેલી રકમ આત્મનિર્ભર બહેનો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.