અંધશ્રદ્ધાનો અંત:પાટણના દુધારામપુરામાં ભુવાજીએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો, પછી માતાજીની રજા લીધી, મહિલા આરોગ્યકર્મીએ વેણ વધાવી રસી આપી

પાટણ3 મહિનો પહેલા
  • ભુવાજી રસી માટે માતાજીની રજા લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  • પાટણના દુધારામપુરા ગામમાં 100 ટકા રસીકરણ થાય માટે આરોગ્યની ટીમ ઘરે ઘરે ફરે છે

પાટણના દુધારામપુરા ગામમાં 100 ટકા રસીકરણ થાય એ માટે સરપંચ અને આરોગ્યકર્મચારીઓની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. શુક્રવારે ઠાકોરવાસમાં ટીમ રસીકરણ માટે જતા ભુવાજી ઠાકોર પ્રહલાદજી રસી લેવા માટે ના પાડતાં મહિલા આરોગ્યકર્મી ભાર્ગવીબેન જોષી અને સરપંચ દ્વારા તેમને મનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ
અંતે, ભુવાજી દ્વારા માતાજીની રજા માટે કહેતાં મહિલા આરોગ્યકર્મીએ તેમની માળા હાથમાં લઈને રજા માટે વેણ વધાવો જોવામાં આવ્યું હતું. માતાજી રસી લેવા માટે રજા આપતા હોવાનું કહેતા હોય એ રીતે વેણ વધાવો આવતાં ટીમ દ્વારા ભુવાજીને રસી આપવામાં આવી હતી. રસી માટે માતાજીને મહિલા કર્મી દ્વારા મનાવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે રસપ્રદ બનતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગામના સરપંચ અજિતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મારા ગામમાં ત્રણ હજારની વસતિ છે.

90 ટકા રસીકરણ થયું
ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી થાય એ માટે ઘરે ઘરે ફરીને લોકોને રસી આપવામાં પ્રયાસ કરવામાં આવતાં 90 ટકા રસીકરણ થઈ ગયું છે. આરોગ્યકર્મીઓ અને અમે સાથે મળી લોકોને મનાવીને ભય દૂર કરી રસી અપાવી રહ્યા છીએ. ગત રોજ ગામમાં ભુવાજી ન માનતાં તેમને તેમની ભાષામાં જ મનાવીને રસી અપાવી હતી. આ રીતે પાટણના દુધારામપુરા ગામમાં જે લોકો ડરે અથવા ન પાડે તો તેમને કોઈપણ રીતે મનાવવાનો પ્રયાસ કરાય છે .

અન્ય સમાચારો પણ છે...