તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:139 વર્ષમાં પ્રથમવાર કર્ફ્યૂ અને 200 ભક્તો સાથે આજે રથયાત્રા, 150 ખલાસી સામે 500 પોલીસ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તો વિના બપોરે 2 કલાકે ભગવાન નગરચર્યાએ કરશે, અઢી કલાકમાં પૂરી થશે
  • રથયાત્રાના રૂટ પર કલેક્ટરનું કર્ફ્યૂનું જાહેરનામું, પોલીસે કહ્યું કોવિડ ગાઈડ લાઈનનું પાલન અને ટ્રાફિક ડાયવર્ટ કરાશે

ઈતિહાસમાં પ્રથમ વાર 139 વર્ષે આજે પાટણ શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભ્રાતા બલભદ્રજી રથ પર આરૂઢ થઈ માત્ર નિશાન ડંકા સાથે જ બપોરે 2 કલાકે નગરચર્યાએ નીકળશે. રથયાત્રા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનું ગાન થશે. આઠ કિલોમીટરની રથયાત્રાનો રૂટ ટુંકાવી માત્ર બે કિલોમીટર કરી દેવામાં આવ્યો છે. એટલે લગભગ માત્ર બેથી અઢી કલાકમાં યાત્રા નિજ મંદિર પરત ફરશે. પ્રસાદ વિતરણ બિલકુલ મુલત્વી કરી દેવાયો છે. પહેલીવાર કલેક્ટરે રથયાત્રા રૂટ પર બપોરે 12:00થી રાત્રે 8: 00 કલાક સુધીનો કર્ફ્યૂ જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.

રથયાત્રા પૂર્વે પાટણમાં પોલીસે રૂટ પર ફ્લેગ માર્ચ કરી હતી.
રથયાત્રા પૂર્વે પાટણમાં પોલીસે રૂટ પર ફ્લેગ માર્ચ કરી હતી.

જોકે પોલીસ તંત્રના જણાવ્યા પ્રમાણે કફર્યું નહીં પરંતુ કોવિડના નિયમોનું પાલન થશે અને ટ્રાફિક ડાઇવટૅ થશે. રથયાત્રાના રૂટ પર ભક્તો ધસી ન આવે તે માટે 250 બેરીકેટ સાથે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે. ભગવાનના કાફલામાં માત્ર 200 ભક્તો ખલાસીઓ અને ટ્રસ્ટીઓ સાથે જોડાશે. રથના ખલાસીઓ સહિત 174 જેટલા લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો તે તમામ નો રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી પ્રસન્ન થાય અને લોકો પર તેમની કૃપાદ્રષ્ટિ રહે તે ભાવથી રવિવારે જગદીશ મંદિર ખાતે વિદ્વાન પંડિતો ડો. રમેશભાઈ ઓઝા, દીપકભાઈ વ્યાસ, કૌશલભાઇ દવે સહિત 19 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી દૂધ, દહી, મધ, સાકર, ગુલાબજળ, લીલા નારિયેળનું પાણી, કેસર, બ્રાસો, મોગરા અને ગુલાબનું અત્તર સહિતના વિવિધ સુગંધિત દ્રવ્યોથી ભગવાન પર મહાઅભિષેક કરાયો હતો.

રથયાત્રા દરમિયાન આ રસ્તા બંધ રહેશે
રથયાત્રા દરમિયાન શહેરમાં અંબાજી માતા મંદિર વેરાઈ ચકલા, રાજ સીઝન પાર્લર, બગવાડા દરવાજા, સુભાષ ચોક, આશિષ પતંગ સ્ટોર, જુના ગંજ, નીલમ જ્વેલર્સ, દોશીવટ બજાર ત્રિકમ બારોટની વાવના રસ્તા બંધ કરાશે.

ઉપયોગ માટેના વૈકલ્પિક રસ્તા
અંબાજી માતા મંદિરથી છીડીયાદરવાજાથી અઘારા દરવાજા તરફ
રાજ સીઝન પાર્લરથી વેરાઈ ચકલા તરફ
બગવાડા દરવાજાથી વેરાઈ ચકલા સુભાષ ચોક તરફ
સુભાષ ચોકથી બુકડી ગુંગળી તળાવ બગવાડા તરફ
આશિષ પતંગ સ્ટોરથી નીલમ સિનેમા તરફ
દોશીવટથી સોની બજાર થઈ બુકડી તરફ, જૈન દેરાસર થઈ મોટી સરા તરફ
ત્રિકમ બારોટની વાવથી અઘારા અને છિન્ડીયા દરવાજા તરફ.

ભગવાનના કાફલામાં 200 ભક્તો જ હશે
રથને ખેંચવા 100 ખલાસીની પસંદગી કરાઈ છે. જેમાં 50 ખલાસી ભગવાનના રથ માટે જ્યારે 25 -25 ખલાસી બલભદ્રજી અને સુભદ્રાજીના રથ માટે રહેશે. રથ ઉપર એક પુજારી એક ટ્રસ્ટી અને પાછળ એક સુરક્ષા સેવક એમ ત્રણ લોકો રહેશે. આ સિવાય વધુમાં વધુ 75થી 100 જેટલા આમંત્રિત ભક્તો સામેલ થશે. જગદીશ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે પ્રસાદ લેવા માટે 4 થી 5 પોઇન્ટ ગોઠવવાનું તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું પરંતુ પ્રસાદ લેવા માટે ભક્તોનો ધસારો થાય અને સોશિયલ અંતર ન જળવાય અને પોલીસે દંડા પછાડવા પડે તેવી સ્થિતિ સર્જાતી રોકવા પ્રસાદ વિતરણ બિલકુલ બંધ રાખવામાં આવ્યું છે.

સિદ્ધપુરમાં રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ રહેશે, બપોરે 12થી સાંજે 8 કલાક સુધી લોકોની અવરજવર પર પાબંદી

રથયાત્રામાં ભક્તો જોડાઈ શકશે નહીં, જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાશે
સિદ્ધપુરના ગામધણી શ્રી ગોવિંદ રાયજી તેમજ શ્રી માધવ રાયજીની આજની 78મી રથયાત્રા અગાઉ રવિવારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ કરાઈ હતી.જેમાં ડીવાયએસપી સહિત સ્ટાફ જોડાયો હતો. જિલ્લામાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે રથયાત્રાના કેટલાક માર્ગો પર બપોરે 12 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કરફ્યૂ લગાવાશે. તેમજ રથયાત્રા દરમિયાન કોઈ ભક્તો રથયાત્રામાં જોડાઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...