આવકમાં ઘટાડો:ગત વર્ષની સરખામણીએ ઘઉંના ભાવમાં પ્રતિ મણે રૂ.289નો વધારો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના પ્રતિ મણે રેકોર્ડ બ્રેક રૂ.700ના ભાવ પડ્યા
  • સારી ક્વોલિટીના ભાવ રૂ.580થી રૂ.700 સુધી જ્યારે હલકી ગુણવત્તાના પણ રૂ.430 ભાવ

આ વખતે ઘઉંની બજાર માં આગઝરતી તેજી આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે બુધવારે પાટણ માર્કેટ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણે રેકોર્ડ બ્રેક રૂ.700ના ભાવ પડયા હતા. ઘઉંના ભાવ વધવા પાછળ યુક્રેન યુદ્ધ, માર્કેટયાર્ડોમાં આવકમાં ઘટાડો, હલકી ગુણવત્તા સહિતના વિવિધ કારણો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા દશેક દિવસથી માર્કેટયાર્ડોમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વખતે શરૂઆતથી જ ભાવમાં તેજી છે. પાટણ માર્કેટયાર્ડમાં બુધવારે રૂ.432થી 700ના ભાવ પડ્યા હતા 1913 બોરીની આવક આવી હતી જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 3500 બોરીની આવક હતી એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1400 બોરીની આવક ઓછી છે.

જ્યારે ગયા વર્ષે પ્રતિમણે 325 થી 411ના ભાવ પડ્યા હતા ગત વર્ષની સરખામણીએ ભાવમાં પ્રતિ મણે રૂ.289નો તોતિંગ વધારો છે. આ વખતે હલકી ગુણવત્તાના ઘઉના ભાવ પણ રૂ.430 પડી રહ્યા છે. જ્યારે સારી ક્વોલિટીના ઘઉંના ભાવ રૂ.580થી રૂ.700 સુધીના પડી રહ્યા છે.

ઘઉંની આવક ઓછી અને કવોલેટી સારી ન હોવાથી ભાવ વધારે: સેક્રેટરી
પાટણ માર્કેટ યાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘઉંનો રૂ.700નો ભાવ અત્યાર સુધીમાં સૌથી ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ છે.યુક્રેન યુદ્ધના કારણે ઘઉંની આયાત બંધ થઈ છે તેમજ આ વખતે આવક ઓછી છે સાથે સારી ગુણવત્તાના ઘઉ આવતા નથી જેવા કારણોસર ભાવ ઊંચકાયા છે.

ઉત્પાદન સારું છે પણ વાવેતર ઓછું છે
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સારા ભાવ મળતા ન હોવાથી ખેડૂતોએ ઘઉંનું વાવેતર ઓછું કર્યું હતું અને તેના બદલે રાયડાનું વાવેતર વધારે કર્યું હતું ઉત્પાદન સારું છે એક વીઘામાં થી 50 મણ ઉત્પાદન મળી રહ્યું છે. આ વખતે ખેડૂતોને ભાવ સારા મળતા આવતી સીઝનમાં વાવેતરમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...