તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:'સહી પોષણ દેશ રોશન'ની વિભાવના સાર્થક કરવા ફીલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા પાટણમાં વેબિનાર યોજાયો

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોષણયુક્ત આહાર અને પોષણના વિવિધ કાર્યક્રમો સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાયુ

આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સહી પોષણ દેશ રોશનની વિભાવના સાર્થક કરવા કેન્દ્રિય માહિતી અને પ્રસારણ વિભાગના પાલનપુર ફીલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા પાટણમાં વેબિનાર યોજાયો હતો. જેમાં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તથા આઈ.સી.ડી.એસ. વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, નાના બાળકોને પૂરતું પોષણ મળી રહે તેમજ કુપોષિત મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર, આંગણવાડીમાં ચાલતા પોષણના વિવિધ કાર્યક્રમો સહિતની બાબતો અંગે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે આ માટે આયોજિત આ વેબિનારમાં વિષય નિષ્ણાંત તેમજ વક્તા તરીકે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઇ.બી અને આર.ઓ.બીનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો.ધીરજ કાકડિયા, આર.ઓ.બી અમદાવાદનાં નિર્દેશક શ્રીમતી સરિતા દલાલ, મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગરના જોઇન્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, રાષ્ટ્રિય પોષણ મિશન તેમજ નાયબ નિયામક શ્રીમતી ઇલાબા રાણા, આઇ.સી.ડી.એસ. આણંદના પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી તેમજ પાટણ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી જોડાયા હતા.

પોષણ વિષયે વક્તવ્ય આપતાં ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દેશભરમાં ચાલી રહેલું પોષણ અભિયાન એ અતિમહત્વનું અભિયાન છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં તબક્કાવાર પ્રગતિ થતી જોવા મળી રહી છે. પોષણ માહ તરીકે આખા સપ્ટેમ્બર મહિનાની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય લોકોમાં પોષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો તેમજ આ વિષય સંબંધીત તમામ જાણકારી અને માર્ગદર્શન પુરૂં પાડવાનો છે.

સ્વસ્થ ભારત માટે સ્વસ્થ નાગરિક પાયાની જરૂરીયાત છે અને સ્વસ્થ નાગરિક માટે પોષણ અનિવાર્ય છે તેમ જણાવી આર.ઓ.બી.ના નિદેશક સરિતા દલાલે માત્ર ભારત જ નહિં પરંતુ વિશ્વભરમાં કુપોષણ સામે ચાલી રહેલા જંગ વિષે જાણકારી આપી હતી. વધુમાં તેમણે વર્ષ 2022માં કુપોષણમુક્ત ભારતનું નિર્માણ કરવાના સરકારના સંકલ્પને સાકાર કરવા સૌને પોષણ વિષય પર જાગૃત થવા અપીલ કરી હતી.

રાષ્ટ્રિય પોષણ મિશનના જોઇન્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તેમજ નાયબ નિયામક ઇલાબા રાણાએ પોષણ અભિયાનને માત્ર એક મહિનાની ઉજવણી પૂરતું સીમિત ન રાખતાં તેને જીવનપર્યંત ચાલુ રાખવાનું અભિયાન જણાવ્યું હતું. તંદુરસ્ત માતા થકી જ તંદુરસ્ત બાળ જન્મી શકે છે તેમ જણાવી તેમણે મહિલાઓને તેમની સગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી તેમજ એ સમયકાળ દરમિયાન પોષણ સંબંધીત આહાર પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

આઇ.સી.ડી.એસ. આણંદના પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોષણ પંચામૃતની વિસ્તૃત જાણકારી આપી હતી. સમયાંતરે, સમયસર અને નિરંતર તપાસ થકી કુપોષિત બાળકની જાણકારી મેળવી તેને કુપોષણથી દૂર કરવાના પ્રયત્નો પર તેમણે વાત કરી હતી. પોષણનો સીધો સંબંધ આહાર પર છે ત્યારે તેમણે દરેક પ્રદેશના સ્થાનિક-ક્ષેત્રીય પરંપરાગત ભોજનને અપનાવવાની વાત પર ભાર મૂક્યો હતો.

પાટણ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીએ પોષણ અભિયાન અંતર્ગત આપણા સૌની ભૂમિકા અને વિશેષ કરીને આંગણવાડી વર્કર બહેનોની કામગીરી પર વાત કરતાં મહિલાઓને જાગૃત કરવા અને તેમને યોગ્ય સંદેશાઓ થકી માર્ગદર્શન પુરૂ પાડવા અંગે વાત કરી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના અધિકારી જે.ડી.ચૌધરીએ વેબીનારનું સંચાલન કરવાની સાથે પોષણ માટેની રોજિંદી નાની નાની વાતોને સંકલ્પરૂપે જીવનમાં ઉતારવાની વાત જણાવી હતી. સાથે જ હિંદી દિવસની ઉજવણીના ભાગ રૂપે હિંદી ભાષાને વધારે ઉપયોગમાં લેવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...