મોટા શહેરોમાં હાઈરાઇઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના અભાવે આગ લાગવાની ઘટનાઓમાં લોકોને જીવ ગુમાવવા પડે છે ત્યારે ફ્લેટ કોમ્પ્લેક્સ સહિતના મોટા બિલ્ડીંગોમાં સરકારે ફાયર સેફ્ટીની સુવિધા ફરજિયાત કરી છે. છતાં લોકો તને ગંભીરતાથી લેતા નથી ત્યારે તંત્રએ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે તેના ભાગરૂપે પાટણ શહેરમાં નોટિસો આપવા છતાં ફાયર એનઓસીની પ્રક્રિયા નહીં કરનાર સાત હાઈરાઈઝ બિલ્ડીંગોના રવિવારે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે પાણીના કનેક્શન કાપી નાખ્યા હતા અને દુકાનો સીલ કરી દીધી હતી. જેને પગલે વેપારીઓમાં રોષ છવાયો હતો.
પાટણ શહેરમાં નવ હાઈ રાઈઝ બિલ્ડીંગો સાંઈ પ્લાઝા, શ્લોક પરિસર, સપના એપાર્ટમેન્ટ, ઇન્દ્રપુરી ફ્લેટ, હસ્તિનાપુર ફ્લેટ, શક્તિ કૃપા, કેશવ પ્રાઈમ, અશોકા ફ્લેટ સહિતના સ્થળોએ ફાયર એનઓસી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પાલિકા કક્ષાએથી ફાયર વિભાગ દ્વારા ત્રણ વખત બિલ્ડરોને નોટિસ આપવામાં આવી હતી. છતાં કેટલાક બિલ્ડરોએ નોટિસ સ્વીકારી ન હોવાથી બિલ્ડીંગ પર ચોંટાડી દેવામાં આવી હતી તેમ છતાં ફાયર એનઓસી માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગાંધીનગર રીઝનલ ફાયર ઓફિસના આદેશથી રવિવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ફાયર ઓફિસર સ્નેહલ મોદી સહાયક અશ્વિન પ્રજાપતિ સ્વચ્છતા અને વોટર વર્કસ શાખાના કામદારો પીએસઆઇ સહિતના પોલીસ બંદોબસ્ત સાથે ફાયર એનઓસીની પ્રક્રિયા નહીં કરનાર હાઇરાઇઝ બિલ્ડીંગોમાં પાણીનાં જોડાણ કાપવાં માટે નીકળ્યા હતા જેમાં પાંચ બિલ્ડીંગો સાંઈ પ્લાઝા ચિંતામણી ફ્લેટ, સપના એપારમેન્ટ, ઇન્દ્રપુરી ફ્લેટ, અને શ્લોક પરિસર ના પાણીના જોડાણ કાપવામાં આવ્યા હતા. તેમજ જે હાઇરાઝ બિલ્ડીંગોમાં દુકાનો છે તે દુકાનો પણ પાલિકાની ટીમે સીલ કરી દીધી હતી જેના કારણે વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરમાં 17 હાઇરાઇઝ બિલ્ડીંગ પૈકી ત્રણમાં અગાઉથી એનઓસીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે બાકીના 14 બિલ્ડીંગો પૈકી રાધે ફ્લેટ ગાયત્રી દર્શન ફ્લેટ રાજવી ફ્લેટ અને અભિષેક ફ્લેટમાં શનિવારે એનઓસી પ્રક્રિયા શરૂ કરી હતી બાકીના 10 પૈકી શ્રેયસ ફ્લેટ હાઇરાઇઝ માં આવતો નથી આ સિવાયના નવ ફ્લેટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બિલ્ડરને નોટિસ આપી અમને જાણ નથી કરી : વેપારીઓ
આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે પાલિકાના ફાયર વિભાગે એનઓસી પ્રક્રિયા કરવા માટે બિલ્ડરને નોટિસ આપવામાં આવેલી છે અમને જાણ નથી. છતાં અમારી દુકાન સીલ થઈ છે.અમને જાણ કરી હોત તો અમે પ્રક્રિયા કરી શક્યા હોત.આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે જે હાઇરાઇઝ બિલ્ડિંગ લોકોનો રહેણાંક છે તેવા બિલ્ડીંગોના પાણી જોડાણો કાપવામાં આવ્યા છે અને જે બિલ્ડિંગમાં દુકાનો છે તેમાં દુકાનો સીલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.