માતા સામે પુત્ર હાર્યો:પાટણના ચાણસ્માના ગલોલીવાસણામાં માતા સામે પુત્રનો 27 મતથી પરાજય, માતાની જીતને પુત્રએ વધાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગલોલીવાસણા ગામમાં વોર્ડ નં. 4ના સભ્યપદે માતા સામે પુત્ર હાર્યો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્યપદની દાવેદારી માતા અને પુત્રએ સામસામે નોંધાવી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ છે.

મંગળવારે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયા દરમિયાન ગલોલીવાસણા ગ્રામપંચાયતની વોર્ડ નંબર 4ની સભ્યની બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર માતા દીવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળતાં માતા દીવાબેન સેનમાએ 27 મતોથી વિજય હાંસલ કરી પુત્ર દશરથભાઈને માત આપી હતી. જોકે સભ્યપદ માટે માતા-પુત્ર વચ્ચે ચૂંટણી યોજાઈ હોઈ, માતાની જીતની ખુશી પરિવારે સાથે મનાવી હતી.

પાટણ જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારો પૈકી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં કુલ 81.90 ટકા મતદાન થયું હતું, જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારનાં ભાવિનો આજે ફેંસલો થશે. આજે દરેક તાલુકા મથક પર સવારે 9:00 વાગે મતગણતરીનો પ્રારંભ થયો હતો. 450 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. સૌપ્રથમ મતપેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મતપત્ર અલગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેની જુદી જુદી ગણતરી કરવામાં આવી રહી છે. આમ, સવારથી જ મતગણતરી સ્થળ પર ઉમેદવારો અને ટેકેદારો સહિત સભ્યો મોટી સંખ્યા આવી રહ્યા છે. મતગણતરી સ્થળ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...