પાટણ જિલ્લામાં 4 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 2-2 બેઠકો વહેંચાઇ ગઈ છે. કોંગ્રેસ પક્ષને એક બેઠકનું નુકસાન થયું છે. વર્ષ 2017માં 3 બેઠકો કોંગ્રેસે જીતી હતી. આ વખતે ઉલટી સ્થિતિ થવાની શક્યતા છેલ્લી ઘડી સુધી રહી હતી પણ છેલ્લા રાઉન્ડમાં 2-2 બેઠકોની બરાબરી થઈ ગઈ હતી. નોંધપાત્ર હકીકત એ છે કે બે જ બેઠકો જીતવા છતાં ભાજપનો વોટ શેર ચારેય બેઠકો ઉપર વધ્યો છે જ્યાર ચારેય બેઠકમાં કોંગ્રેસ પક્ષના વોટ શેરમાં ઘટાડો થયો છે.બહુ પ્રતિષ્ઠિત પાટણ બેઠક ઉપર કોંગ્રેસે સતત બીજી વખત વિજય મેળવ્યો છે પરંતુ આ વખતે તેના વોટ શેરમાં ઘટાડો થયો છે.
વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ઉમેદવારો અને પક્ષો તેમના કયા વિસ્તારમાંથી મત વધારે મળ્યા અને કયા વિસ્તારમાંથી ઓછા મળ્યા તેના તાળા મેળવવાના કામમાં લાગ્યા છે.પાટણ શહેરમાં ચૂંટણીની સરખામણીમાં ભાજપને મળેલા મતમાં ઘટાડો થતાં તેને લઈને નગરપાલિકા અને જિલ્લા ભાજપ સંગઠનને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે ભાજપના જ સૂત્રો જણાવી રહ્યા છે કે ભાજપને મળેલા મતમાં વધારો થયો છે એટલે અહીં નવા ઉમેદવાર ચહેરા માટે પણ પક્ષના સંગઠન દ્વારા કામ થયું છે પરંતુ તેમાં ક્ષતિ રહી ગઈ છે, જેના કારણે હાર ખમવી પડી રહી છે. રાધનપુરમાં કોંગ્રેસ પક્ષની હાર તેમજ ચાણસ્મા બેઠક ઉપર ભાજપના પરાજય માટે રાજકીય કુટનીતિ કામ કરી ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પાટણમાં કોંગ્રેસે બેઠક જીતી પણ મતની ટકાવારી ઘટી
પાટણ વિધાનસભામાં 2002 થી 2012 સુધી ભાજપનો વોટ શેર સતત ઘટયો હતો.2022 માં 0.98%નજીવો વધારો થયો છે. 2017માં કોંગ્રેસનો વોટ શેર 54% થયો હતો. જે 2022માં કોંગ્રેસે બેઠક જીતી હોવા છતાં વોટ શેર 3.94% ઘટ્યો છે.
સિદ્ધપુરમાં બે ચૂંટણી પછી ભાજપનો વોટશેર વધ્યો
સિધ્ધપુર વિધાનસભામાં 2017માં ભાજપ હારવા છતાં તેના મતમાં 4 % નો વધારો થયો હતો .2017માં કોંગ્રેસ જીતવા છતાં તેના મતમાં 2 ટકાનો ઘટાડો થયો હતો. 2022 માં ભાજપના મતમાં 6 ટકા વધારો જ્યારે કોગ્રેસ ના મતમાં 5%નો ઘટાડો થયો છે.
રાધનપુરમાં ભાજપે 50 %થી વધુ મત મેળવ્યા
રાધનપુર બેઠક ઉપર 2017માં ભાજપને 39.96% મત મળ્યા હતા તેની તુલનાએ 2022 માં 52.70% મત મળ્યા છે. એટલે કે વોટશેર 12.74% વધ્યો છે. જ્યારે કોંગ્રેસના વોટમાં 6.96% નો ઘટાડો થયો છે.
ચાણસ્મા બેઠક ભાજપ હાર્યો પણ વોટશેર વધ્યો
ચાણસ્મા વિધાનસભામાં 2017માં ભાજપ જીતવા છતાં મતમાં 10% નો ઘટાડો થયો હતો જ્યારે કોંગ્રેસના મત 5 ટકા ઘટ્યા હતા. 2022માં ભાજપ હારવા છતાં 4.35% મત વધ્યા છે.જોકે કોગ્રેસમાં 9.69% મત વધ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.