ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધર્યું છે. ત્યારે પાટણ શહેરમાં પણ મતદાન વધારવા માટે મતદારોને જાગૃત કરવા તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. જેમાં લોકોના ઘરે ઘરે કચરો કલેક્શન કરવા ફરતી 17 ગાડીઓ મતદાન જાગૃતિનું કામ કરી રહી છે.આ ગાડીઓના લાઉડ સ્પીકરથી દરરોજ મતદાન જાગૃતિનું ગીત વગાડાય છે. અને તે ગાડીઓ પર મતદાન જાગૃતિના બેનર લગાવી દરરોજ અંદાજે 25000 ઘરો સુધી લોકોને મતદાન કરવા માટેનો સંદેશ અપાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કર્યું છે. અગાઉની ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું કે ઓછુ મતદાન થવાની સંભાવના હોય તેવા મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 'મિશન-2022 હાથ ધર્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર બેઠકના 43 બુથ પર અવસર રથ ફરશે.
પાટણ અને સિદ્ધપુર વિધાનસભા બેઠક પર અવસર રથ મારફતે લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. અવસર રથ દ્વારા સ્લમ વિસ્તારને વધુ ટાર્ગેટ કરાઈ રહ્યા છે કારણ કે આવા વિસ્તારોમાંથી મતદાન થવાની શક્યતા ઓછી હોય છે. તેથી અહી વસતા લોકો પણ વધુને વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. રવિવારે ચાણસ્માની બેઠક પર અને 14 નવેમ્બરે રાધનપુર વિધાનસભા બેઠક પર રથ ફરશે સાથે વિવિધ વિસ્તારોમાં જઈને મતદાન જાગૃતિ અંગે લોકોને પ્રેરિત કરશે.
આ અંગે પાટણ પાલિકાના ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલે જણાવ્યું કે મતદાન વધે તે માટે નવતર પ્રયોગ કરાયો છે. જેમાં દરરોજ શહેરમાં કચરો કલેક્શન કરવા માટે ફરતી 17 ગાડીઓમાં છેલ્લા અઠવાડિયાથી લાઉડ સ્પીકર મારફતે મતદાન જાગૃતિ નું ગીત વગાડાય છે. સાથે બેનર મારફતે લોકો સુધી મતદાન કરવા માટેનો સંદેશ પહોંચે છે. 5 ડિસેમ્બર સુધી આ પ્રયાસ ચાલુ રખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.