પાટણ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગૌચરની જમીનોમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી ખોટી રીતે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સરસ્વતી તાલુકાના અમરપુરાની હદમાં આવેલ ગૌચર જમીનમાં કેટલાક ઇસમો દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણને સત્વરે દુર કરવામાં આવે તેવી માંગ સાથે આજે ગ્રામજનોએ રેલી સ્વરુપે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટણ જીલ્લાની રચના બાદ સરસ્વતી તાલુકાના વહાણા ગ્રામ પંચાયતમાંથી અમરપુરા ગ્રામ અસ્તિત્વમાં આવ્યું હતું અને જે-તે વખતે અમરપુરાના ગૌચર સિવાય વહાણાનું ગૌચર હેકટર આરે ચોરસ મીટર 47-48-05 આકાર 13.2 જેટલું ગૌચર આવેલું હોવા છતાં આ ગૌચર વહાણા ગામના કેટલાક ઇસમોએ ખોટી રીતે ગેરકાયદેસર દબાણ કરી ગૌચર પચાવી દીધું છે.
જેમાં પ્રાથમિક તબકકે કેટલાક ઇસમો દ્વારા તેમાં ખેતી કરી આવક મેળવવામાં આવી રહી છે. તેમજ વહાણા ગામના ઇસમો તેમના ઢોરઢાંખરો અમરાપુરાની ખેતીની જમીનમાં ચારવા માટે છુટા મુકી દે છે જેથી ગામના ખેતરોમાં ભેલાણ થવાના કારણે પાકને નુકશાન થઇ રહયું છે. આથી ગોચરના દબાણો સત્વરે દુર કરવામાં આવે તેવી માંગ સાથે અમરાપુરા ગામના સરપંચની આગેવાની હેઠળ આશરે 50 થી વધુ ગ્રામજનો આજે રેલી સ્વરુપે જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપ્યુ હતું.અને ગૌચરનું દબાણ કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરી તેને ખાલી કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.