સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ:મીઠાધરવાના મહિલા સરપંચ પર કથિત ભ્રષ્ટાચારનો ગામલોકોએ આક્ષેપ કરી ગ્રામ પંચાયતને તાળુ માર્યુ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરો દ્વારા કામ કરવામાં આવ્યો હોવા છતાં વાઉચર મૂકી ભષ્ટાચાર કરાયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે ભ્રષ્ટ્રાચારની તપાસ કરાશે તેવી હૈયાધારણ આપી

પાટણના મીઠાધરવાના મહિલા સરપંચ દ્વારા ગામના વિકાસના કામો નહીં કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે અરજદાર દિલીપકુમાર પટેલ અને ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. તેમજ ગ્રામ પંચાયત ખાતે જઈ તલાટી અને સરપંચને બહાર કાઢી તાળુ મારી વિરોધ દર્શાવ્યો હતો. જેની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતાં જ ભાવસારના તાલુકા વિકાસ અધિકારી સુનિલ ઠાકોર મીઠાધરવા ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા.

આ સમગ્ર મામલે મામલતદારે ગામલોકોને મહિલા સરપંચ દ્વારા કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે તેવી હૈયાધારણ આપતા ગ્રામ પંચાયતને ગામલોકોએ ખોલવાની મંજૂરી આપી હતી. મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ તેવી ગામલોકોએ માંગ કરી હતી. તેમજ મહિલા સરપંચ ક્યારેય ગ્રામ પંચાયતમાં આવ્યા નથી અને તેમના પતિ દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ થયો છે જેથી અમોને ન્યાય આપો, ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારના ભરડામાં આવી છે તેવા બેનરો સાથે ગામલોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.

મીઠાધરવા મહિલા સરપંચ દ્વારા કરાયેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરનારા દિલીપકુમાર પટેલ અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામના કેટલાય લેબર કામો થયા નથી અને તેમના નામના વાઉચરો બની ગયા છે. મહિલા સરપંચ ક્યારેય ગ્રામપંચાયતમાં આવ્યા નથી અને ગ્રામ પંચાયતનો વહીવટ માત્ર તેમના પતિએ જ કર્યો છે. જો મીઠાધરવા ગામે અત્યાર સુધીમાં ફાળવવામાં આવેલ વિકાસના કામોની ગ્રંથોની તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. જેવા અનેક આક્ષેપો સાથે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી છે. આ વાઉચર કે જ્યાં વધારે કામ પણ કર્યું નથી અને તેમણે કામના નાણાં પણ મળ્યા નથી કે, તેમની સહી પણ નથી તે સાથેના વાઉચર અને વાઉચર જેના નામે બન્યા છે તે લેબરોના સોગંદનામાં પણ રજૂ કર્યા હોવાનું જણાવ્યું હતું.

તાલુકા વિકાસ અધિકારી ભાવસારે જણાવ્યું હતું કે, મીઠાધરવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભગવતીબેન હરગોવિંદભાઈ દ્વારા ખોટા વાઉચરો મૂકી ભ્રષ્ટાચાર કરાયા હોવાની તેમજ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિએ જ આજ સુધી વહીવટ કર્યો હોવાની રજૂઆતો સાથે સોમવારે ગામલોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. જેથી સ્થળ પર જઈ ગામલોકોને સાંભળ્યા છે અને ગામલોકોએ જે આક્ષેપો કર્યા છે તેની પુરેપુરી તપાસ કરવામાં આવશે તેવી હૈયાધારણ અપાતા ગામ લોકોએ પણ પંચાયતના તાળા ખોલવાની મંજૂરી આપી હતી. જો મહિલા સરપંચ તપાસ દરમિયાન કસૂરવાર જણાશે તો પંચાયતના ધારા મુજબ કાર્યવાહી થશે તેમ પણ તેમણે ગામ લોકો સમક્ષ જણાવી હૈયાધારણ આપી છે.

મીઠાધરવા ગામના મહિલા સરપંચ ભગવતીબેન હરગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ઉપર ખોટા આક્ષેપો થયા છે. રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક બિનકાયદેસર કામો ન કરી શકાયા હોવાથી અમોને બદનામ કરવા માટે કેટલાક લોકોએ કાવતરૂ રચ્યું છે.

આ બાબતે મીઠાધરવા ગામના મહિલા સરપંચના પતિએ ટેલિફોનીક વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલાં ભષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા છે. મહિલા સરપંચને બદનામ કરવાનું ગામના કેટલાક લોકો દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...