સંવિધાન દિવસ:પાટણમાં વિવિધ સંગઠનોએ સંવિધાન દિવસની ઉજવણી કરી, ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપર્ણ કર્યું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 મી નવેમ્બર 1949ના દિવસે બાબાસાહેબ આંબેડકરે ભારતનું સંવિધાન અર્પણ કર્યુ હતું
  • નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંવિધાન ગ્રંથની પુષ્પોથી પૂજાઅર્ચના કરી સંવિધાન ગ્રંથની આરતી ઉતારવામાં આવી

પાટણમાં સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપર્ણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી. ભારતના બંધારણના ઘડવૈયા અને સર્વ ધર્મ સમાનની ભાવનાને ઉજાગર કરનારા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરે આજના જ દિવસે સંવિધાન અપર્ણ કર્યું હતું. દેશના મધ્યમવર્ગના લોકોને પોતાના હક અને અધિકારો સમાનતાથી મળી રહે તે માટે આઝાદીના બે વર્ષ બાદ 26 મી નવેમ્બર 1949ના દિવસે બાબાસાહેબે ભારતનું સંવિધાન અર્પણ કરી એક મહત્વનું કાર્ય કર્યું હતું.

ત્યારબાદ સમગ્ર દેશમાં આ સંવિધાનનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે 72 માં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરુપે નવસર્જન ટ્રસ્ટ સહિત અન્ય સંગઠનો દ્વારા પાટણ બગવાડા દરવાજા સ્થિત પ્રસ્થાપીત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંવિધાન બચાવોના નારા પણ લગાવવામાં આવ્યાં હતા.

ત્યારબાદ કાર્યકરો દ્વારા સંવિધાન ગ્રંથની પુષ્પોથી પૂજાઅર્ચના કરી સંવિધાન ગ્રંથની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્ર પરમારે ડો.બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણના વિચારોને અનુસરવા અને તેમના અધુરા કાર્યોને પૂર્ણ કરવા સૌને સંકલ્પ બદ્ધ કર્યા હતા.

આ પ્રસંગે નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો સહિત અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરો વકીલ મનોજ પરમાર, અજીત મકવાણા, ભદ્રેશ પરમાર , રમેશ બોદ્ધી, કિસ્મત, હરેશ સોલંકી, રાજેન્દ્ર પરીખ, નટુભાઈ તેમજ સમાજના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...