બીજાને પૈસા ઉછીના અપાવવાનું ભારે પડ્યું:પાટણમાં 'અમારા પૈસા પાછા અપાવી દેજે નહીં તો ગાડી વેચીને વસૂલ કરીશું' કહી વેપારીની ગાડી પડાવી લીધી, પત્નીએ દવા ગટગટાવી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ અન્ય વ્યક્તિને બીજા પાસેથી પૈસા ઉછીના અપાવ્યાં હતા
  • વ્યાજખોરોએ વેપારીને ધાકધમકીઓ આપી ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

પાટણ શહેરમાં રહેતા મરચા મસાલાનાં હોલસેલના વેપારીને અન્ય વ્યક્તિને બીજા પાસેથી ઉછીના વ્યાજે પૈસા અપાવવાનું ભારે પડયું હતું. ઉઘરાણી કરનારાઓએ આ વેપારી પાસે પૈસાની માંગણી કરીને તેની ગાડીની ચાવી પડાવી લીધી હતી. તેમજ ધમકીઓ આપતાં આ વેપારીની પત્નીએ પાટણની જનતા હોસ્પિટલની સામેના બગીચામાં ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે વેપારીએ ઉઘરાણી કરી ધમકી આપનારા વ્યાજખોર સામે ફરીયાદ નોંધાવી હતી.

80 હજાર રૂપિયા ઉછીના અપાવ્યાં હતા
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણના હાંસાપુર વિસ્તાર ડેરી પાછળ આવેલી નવરંગ સોસાયટીમાં રહેતા અને મરચા મસાલાનો હોલસેલ વેપાર કરતા શૈલેષભાઈ મહેશભાઈ વાઘેલાએ તેમનાં પરિચીત એવા સવાભાઈ સુખાભાઈ કાંગસીયાને આઠેક મહિના પહેલાં રાજુભાઈ નામના વ્યક્તિ પાસેથી રૂ. 80 હજાર અપાવ્યાં હતા. આ રૂપિયા સવાભાઈએ લેણદારને પરત આપતાં ન હોવાથી રાજુભાઈ, નરશીભાઈ અને ચેતન વગેરેએ શૈલેષભાઈ પાસે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી.

પૈસા આપી દીધા હોવા છતાં વધુ માગણી કરતા હતા
શૈલેષભાઈનાં કહેવા પ્રમાણે સવાભાઈએ આ રકમ રાજુભાઈને આપી દીધી હોવા છતાં પણ આ લોકો વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા. જેથી સવાભાઈ મોરબી જતો રહ્યો હતો. આથી આ લોકોને સવાભાઈ પાસેથી લેવાનાં થતાં રૂપિયા શૈલેષભાઈ પાસેથી માંગ્યા હતા અને આ પૈસાની ઉઘરાણીની અવેજમાં તેઓએ શૈલેષભાઈ પાસેથી ગાડીની ચાવી માંગતાં શૈલેષભાઈએ કહ્યું કે, આ ગાડીમાં તેમની પત્નીનું પર્સ પડ્યું છે. તેમ કહેતાં શૈલેષભાઈ પાસેથી ગાડીની ચાવી પડાવી લીધી હતી અને ધમકી આપતા કહ્યું કે, અમારા પૈસા અપાવી દેજે નહી તો તારી ગાડી વેચીને વસૂલ કરીશું. તેમ કહીને તેઓ ગાડી લઈને જતા રહ્યા હતા.

પત્નીએ દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ
શૈલેષભાઈની પત્નીનું પર્સ હતું. જેમાં સોનાની બુટ્ટી અને રૂ 2700 રોકડ રકમ હતી. આ બનાવ બાદ ગઈકાલે સાંજે શૈલેષભાઈ, તેમની પત્ની અને પૂત્ર સાથે પાટણની જનતા હોસ્પિટલ પાસેની દવાની દુકાને દવા લેવા ગયા હતા. ત્યારે તેમની પત્ની હોસ્પિટલની સામે બગીચા નજીક રીક્ષા પાસે બેઠી હતી. શૈલેષભાઈ દવા લઈને પત્ની પાસે જતાં તેણે તેની પાસેની ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી. જેથી તે ઉલટીઓ કરતી હોવાથી તેને તાત્કાલીક ધારપુર સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. આ બનાવ અંગે પોલીસે શૈલેષભાઈની ફરીયાદનાં આધારે આઈપીસી 384/294(ખ) મુજબ ગુનો નોધ્યો હતો.

સામુહિક આત્મહત્યાની મહિલાએ ચીમકી ઉચ્ચારી
પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી મહિલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વ્યાજખોરો સામે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો હું હોસ્પિટલથી રજા લઈને જ્યારે ઘરે જઈશ ત્યારે મારા પરિવારજનો સાથે સામૂહિક આત્મહત્યા કરીશ. આ પ્રમાણેની ચીમકી મહિલાએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...