પાટણ શહેરમાં આઇકોનિક બસ પોર્ટ ધીમી ગતિએ બની રહ્યું હોવાના અહેવાલો પછી પાટણના ભાજપના નેતા ડો. રાજુલ બેન દેસાઈએ શુક્રવારે બસ પોર્ટ ખાતે કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી અને આગામી લોકસભા ચૂંટણી પહેલા બસ સ્ટેશન શરૂ થઈ જાય તે રીતે કામ કરવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું કે ડિસેમ્બર સુધીમાં બસસ્ટેન્ડ શરૂ થશે તેવી ખાતરી આપી છે.
પાટણ શહેરમાં નવીન બસ સ્ટેશન પાંચ વર્ષ પછી પણ પૂરું થયું નથી ત્યારે શહેરના લોકો કંટાળી ગયા છે અને બસ સ્ટેશન આસપાસના વેપારી વર્તુળો પણ અગાઉ આંદોલન કરી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના લાલેશ ઠક્કર દ્વારા સહી ઝુંબેશ પણ કરવામાં આવી હતી .
સરકાર દ્વારા વહેલી જગ્યાએ આ બસ સ્ટેશન કાર્યરત થાય તેવો સુર શહેરના લોકોનો બહાર આવી રહ્યો છે ત્યારે શુક્રવારે વિધાનસભા ચૂંટણી લડેલા ડો. રાજુલ બેન દેસાઈ એ તેમની વિધાનસભા ક્ષેત્રની જવાબદારીના ભાગરૂપે બસ પોર્ટની બીજી વખત મુલાકાત કરી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બસ સ્ટેશનમાં આ 3000 વાહનોનું પાર્કિંગ બનાવ્યું છે તે ઉપરાંત મલ્ટિપ્લેક્સ, થ્રી સ્ટાર હોટલ અને ટાઉનહોલ જેવી સુવિધા પણ કરવામાં આવનાર છે. તેમનું આયોજન સારું છે પરંતુ હવે કામમાં વિલંબ ના થાય અને લોકસભા ચૂંટણી પહેલા એસટી સેવાનો લાભ મળતો થાય તે માટે સૂચના આપી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.