નિર્ણય:યુનિવર્સિટી કેમ્પસની હોસ્ટેલોમાં એડમિનિસ્ટ્રી માટે સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા ઊભી કરાશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીમાં હોસ્ટેલ બોર્ડ કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓની સુવિધા અને સુરક્ષા માટે નવા નિર્ણયો
  • વિદ્યાર્થીઓને​​​​​​​ ઈમરજન્સી સારવાર માટે લઈ જવા માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સ વાન ખરીદશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગર્લ્સ અને બોયસ હોસ્ટેલની વ્યવસ્થા અને આયોજન કરતી હોસ્ટેલ ઓફ બોર્ડ કમિટીની કુલપતિના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. જેમાં આ વર્ષે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇ નવા ફેરફારો અને નવા નિર્ણયો કર્યા છે. જેમાં ખાસ કરીને હોસ્ટેલના વિદ્યાર્થીઓને રાત્રિ દરમિયાન ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જવા નવીન એમ્બ્યુલન્સ વાન ખરીદીને કેમ્પસ ખાતે રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલ હોસ્ટેલ ઓફ બોર્ડ કમિટીની બેઠકમાં વિવિધ નિર્ણય કરવામાં આવ્યા હતા.જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સલામતી માટે કમિટી દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે એડમિશનથી લઈ એડમિનિસ્ટ્રી માટે એક સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાશે.

જેમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં વિવિધ ફરિયાદો તેમજ કોઈ સમસ્યા હોય તો ઓનલાઇન જ રજૂઆત કે ફરિયાદ કરી શકશે જેનું 24 કલાકમાં નિયુક્ત હોદ્દેદારો દ્વારા નિરાકરણ કરાશે. તેમજ એક એસ ઓ પી તૈયાર કરાશે જેમાં હોસ્ટેલની વ્યવસ્થાના ભાગરૂપે દરેકની કામગીરી વિસ્થાપિત કરાશે. તેમજ હોસ્ટેલમાં સુરક્ષા અને સલામતી માટે ખાસ તકેદારી રાખવા માટે નિયમો ઘડાશે. આ બેઠકમાં રજિસ્ટ્રાર ,સભ્ય ડૉ. ચિરાગ પટેલ સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

કેમ્પસમાં નવીન ઇન્ટરનેશનલ હોસ્ટેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરાશે
કુલપતિ ડૉ. જે.જે.વોરા દ્વારા જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા હોય વિદેશી વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા માટે ઇન્ટરનેશનલ હોસ્ટેલ બનાવવાનું એક આયોજન હોય તેના માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની દરખાસ્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...