હિટ એન્ડ રન:પાટણના કંબોઈ ગામે લોકાચાર જઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત

પાટણએક મહિનો પહેલા
  • અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇ ભાગી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણ શહેરના હાઇવે માર્ગો પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી પસાર થતાં ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સરજી અનેક નિર્દોષ માનવ જીંદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સોમવારની સવારે પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર રાજપુર ગામ નજીક બન્યો છે. અજાણ્યા વાહનચાલકે સિદ્ધપુરના આશાસ્પદ બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી મોત નીપજાવી પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યો હતો.

સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા અને સિદ્ધપુરમાં નવાવાસ તુરી બારોટ વાસમાં રહેતા 55 વર્ષીય અમરતભાઈ મગનલાલ તુરી બારોટ સોમવારની વહેલી સવારે પોતાનું બાઈક નંબર (GJ-24-Ac-3958)લઈને કંબોઈ ગામે લોકાચાર અર્થ નીકળ્યા હતા. ત્યારે પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને પાછળથી ટક્કર મારી બાઇક ચાલક અમરતભાઈ બારોટને ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર મોત નીપજાવી પોતાનું વાહ લઈને ભાગી છૂટ્યો હતો.

આ માર્ગ અકસ્માતના બનાવની જાણ માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને તેમજ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી લાખનો પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પાટણ ચાણસ્મા માર્ગ પર સિદ્ધપુરના આશાસ્પદ વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું હોવાના સમાચાર મૃતકના પરિવારજનોને તેમાં સગા સંબંધીઓને થતાં તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવતાં અને હૈયાફાટ રુદન કરતાં વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

આ અકસ્માતના બનાવની પાટણ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...