જમીનને નવસાધ્ય કરી:મનરેગા યોજના હેઠળ જિલ્લામાં 1 વર્ષમાં 1993 નાના રિચાર્જ વેલથી બારમાસી ખેતી શક્ય બની

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વરમાં રિચાર્જ વેલ દ્વારા બંજર જમીનને નવસાધ્ય કરી

પાટણ જિલ્લામાં મનરેગા યોજના માત્ર રોજગારી આપવા માટે સફળ થઇ નથી પરંતુ છેવાડાના વિસ્તારમાં રિચાર્જ વેલ બનાવીને વરસાદ આધારિત જમીનમાં અન્ય સિઝનમાં પણ ખેતીની શક્યતાઓ ઊભી કરી છે જેના પરિણામે પાછલા વર્ષમાં 69 ટકા જેટલી સફળતા મળી હતી જેને પરિણામે ચાલુ વર્ષમાં અંદાજે 10 હજાર જેટલા રિચાર્જ વેલ બનાવવા માટે આયોજન કરાઈ રહ્યું છે જો તેમ થશે તો નર્મદાના નીરથી વંચિત સરહદી વિસ્તારોમાં હજારો હેક્ટર જમીન સજળ અને ફળદ્રુપ બનાવી શકાશે તેવી ધારણા સાથે કામ કરાઈ રહ્યું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ મનરેગા યોજના અંતર્ગત જળસંચય અને જળ સંગ્રહ જિલ્લામાં વર્ષ : ૨૦૨૧-૨૨માં વ્યકિતગત રીચાર્જ વેલ સ્ટ્રકચરના 1993 જેટલા કામો થયા છે. એક કામમાં કુલ રૂ.31951 પુરાનો ખર્ચ થાય છે, સામે વાર્ષિક રૂ.50 હજાર જેટલી આવક વધી શકે છે. એક વેલ દ્વારા 3 થી 5 વિઘામાં ચોમાસા પછીની સીઝનમાં વરસાદી રીચાર્જ થયેલ પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી કુલ અંદાજીત 5612 વિઘા જમીનમાં સિંચાઇની સગવડ ઉભી થઈ છે.

બારમાસી પાણીની સુવિધાથી પલાયન અટક્યું
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઈ જોષીએ જણાવ્યું કે રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર અને કેટલેક અંશે હારિજ વિસ્તારમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી શકાતી હતી અને બાકીની સિઝનમાં અન્ય વિસ્તારમાં હિજરત કરવી પડી હતી. હવે આ વિસ્તારોમાં રિચાર્જ વેલના કારણે જીરુ અને ચણા જેવા મહત્વના પાકો ખેડૂતો લઇ રહ્યા છે એટલે પલાયન કરવું પડતું નથી..

અન્ય સમાચારો પણ છે...