'રસિયો રૂપાળો રંગરેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી' આ પ્રમાણે ગીત ગાઈને એક વીજકર્મીએ લોકોને લાઈટબિલ ભરવા માટે અપીલ કરી હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો પાટણનો છે કે, જ્યાં 5 હજાર ગ્રાહકોનું 56 લાખનું વીજ બિલ બાકી છે જેને લઈ જાગૃતિ માટે UGVCLના કર્મીએ આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી.
આ વીજકર્મી જાણીતા કલાકાર પણ છે
પાટણ શહેરમાં ગીત સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર જાણીતા કલાકાર જગદીશ ગોસ્વામી કે જેઓ UGVCL પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓ પોતાની ફરજની સાથે સાથે પોતાના ગીત-સંગીતના શોખને પણ જીવંત રાખી વીજબિલ બાકી ગ્રાહકોને પોતાના મધુર કંઠે ગીતોના માધ્યમથી લાઈટ બિલ ભરવા જણાવી રહ્યા છે.
વીજ કનક્શનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે લાઈટ બિલ ભરવા અપીલ કરી
તેઓએ 'રસિયો રૂપાળો રંગરેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી' આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી કે, બધા લાઈટ બિલ ભરી દેજો તો પંખા નીચે જમવા મળશે નહીંતર કનેક્શન કપાઈ જશે. જે તે વિસ્તારમાં ગ્રાહકોનાં લાઈટ બિલો ભરવાનાં બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઈટ બિલ ભરતા નથી, તેવા ગ્રાહકોના વીજ કનક્શનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે તેઓ દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઈટ બિલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે. લાઈટ બિલ ભરવાની અપીલ સાથેના આ ગીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વીજકર્મીના આ નુસખાને લોકો પણ વખાણી રહ્યા છે
સમગ્ર ગુજરાતમાં એક બાજુ મોંઘવારીમાં આમ જનતા પિસાઈ રહી છે, દિન-પ્રતિદિન ભાવ વધારા થઈ રહ્યા છે તેને લઈને સરકારી કચેરીઓમાં બાકી નાણાં કઢાવવા માટે સરકારી કચેરીના કર્મચારીઓ નીતનવા નુસખાઓ અપનાવી ગ્રાહકો પાસેથી બાકી રહેલાં નાણાઓ કઢાવી રહ્યા છે. ક્યાંક જનજાગૃતિ જેવા કાર્યક્રમો યોજી પ્રજાને સમજાવવામાં આવે છે તો ક્યાંક જાહેરમાં જાહેરાત કરીને પ્રજાને સમજાવી રહ્યા છે ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીજકર્મીના આ નુસખાને લોકો પણ વખાણી રહ્યા છે.
આ ગીત આજકાલ ડાયરામાં સાંભળવા મળે છે
'રસિયો રૂપાળો રંગરેલિયો...' ગીત આજકાલ મોટાભાગના ડાયરામાં સાંભળવા મળે છે. તેમાં પણ જે ડાયરામાં 'કમા'ની હાજરી હોય તેમાં આ ગીત અચૂક સાંભળવા મળે છે. કમાની હાજરી હોય તે લોકડાયરામાં ગાયક કલાકાર આ ગીત અચૂક ગાતા જોવા મળે છે. ત્યારે હવે આ ગીતની ધૂન સાથે જ વીજ કંપનીના કર્મચારીએ બાકી બિલની વસૂલાત શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.