મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ એટલે નાના બાળકોથી માંડી યુવાનો અને વડીલો માટે આનંદ ઉત્સવનો તહેવાર... આ ઉત્સવમાં પતંગરસીયાઓ પતંગ ચગાવવામાં મશગુલ બની કાપ્યો...લપેટ...ની બુમો સાથે ઉત્સવની મજા માણતા હોય છે. તો બીજી તરફ જાહેર માર્ગો પર કપાયેલા પતંગની ઘાતક દોરીથી અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે આવા અકસ્માતથી સુરક્ષાકવચના ભાગરુપે પાટણમાં ટુવ્હીલર વાહનચાલકો ઉત્તરાયણ પર્વ પૂર્વે સતર્ક બન્યા હોય તેમ પોતાના વાહનો પર સુરક્ષાકવચરૂપી લોખંડના સળીયાની એંગલો લગાવી રહ્યા છે.
અગાઉના સમયમાં ઉત્તરાયણ પર્વમાં જાહેર માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોની અડફેટ ઘાતક દોરી આવી જતાં કેટલીકવાર ગળા કપાઇ જવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા હતા ત્યારે સમયાંતરે આવા અકસ્માતોથી બચવા માટે વાહનો પર સળીયા જેવી સુરક્ષાની એંગલોનું વેચાણ ઉત્તરાયણ પૂર્વે જ શરુ થઇ જવા પામ્યું છે.
પાટણના બગવાડા વિસ્તારમાં વાદી સોસાયટી પાસે સીટકવરની દુકાનના વેપારી દ્વારા ટુવ્હીલર વાહનો પર સળીયાની એંગલો લગાવવામાં આવી રહી છે. દિવસ દરમ્યાન આ વેપારી દ્વારા આશરે 50થી વધુ એંગલો લગાવવામાં આવે છે તેવું વેપારીએ જણાવ્યું હતું. આમ પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈ ચાઇનીઝ દોરી કે કાચથી પાયેલી ઘાતક દોરીથી બચવા ટુ વ્હીલર વાહનચાલકો પોતાના વાહનો પર સુરક્ષાકવચ લગાવી રહયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.