પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂરઝડપે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાનામોટા માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે સવારે સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. પીપરાળા નજીક હાઇવે પર પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી અન્ય બે ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર અંદર જ ચગદાઇ ગયા હતા. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા.
એક ટ્રકમાં ડ્રાઇવર-કંડક્ટર ચગદાઈ ગયા
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા.
થોડા દિવસ અગાઉ રાધનપુર-વારાહી હાઇવે પર જીપ ટ્રકમાં ઘૂસી હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં. એ અકસ્માતમાં ડ્રાઇવરની બેદરકારીએ નિર્દોષ લોકોના જીવ લીધાના આક્ષેપ થયા હતા. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા હતા. નીચેના ફકરામાં વિસ્તારથી અહેવાલ વાંચો...
પાટણ જિલ્લાના હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ગત મહિને જ રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા
મોટી પીપળીની અકસ્માતની ઘટના બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળ પર ઊભા રહી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી? રાધનપુરથી વારાહી વચ્ચે આ પ્રકારનાં વાહનોમાં લોકોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવતા હોવાનો અને હપતા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાઈરલ થયો હતો.
પાટણ-ડીસા હાઈવે પર માતા-પુત્ર-પુત્રીનાં મોત
રાજ્યમાં વધી રહેલા અકસ્માતના બનાવો હવે એક ગંભીર મુદ્દો બનતો જાય છે. 21 ફેબ્રુઆરીના રોજ પણ પાટણ-ડીસા હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોનાં કરુણ મોત થયાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર રીતે સર્જાયો હતો કે ઘટનાસ્થળેજ ત્રણેય લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. રેવચી ગામે રહેતા દેસાઈ પરિવારને આ અકસ્માત નડ્યો હતો, જેમાં મૃતકોમાં માતા, પુત્રી અને પુત્ર હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.